પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝનના કોમર્શિયલ વિભાગમાં ભ્રષ્ટાચારનો મામલો સામે આવ્યો છે. અસારવા રેલવે સ્ટેશન પર ગેરકાયદે ઉઘરાણી અને લાંચના કેસમાં ઓડિયો રેકોર્ડિંગ અને કોલ ડિટેઇલ્સ જેવા પુરાવા હોવા છતાં, ચીફ પાર્સલ સુપરવાઇઝર (CPS) સામે માત્ર માઇનર ચાર્જશીટ કરવામાં આવી છે. આથી આરોપીને બચાવવાનો પ્રયાસ થયો હોવાની ચર્ચા થઈ રહી છે.
મધ્યપ્રદેશના નીમચના રહેવાસી અને કુરિયર કાર્ગો એજન્સી સાથે સંકળાયેલા મોહમ્મદ ઇલિયાસ ખાને ડિવિઝનલ રેલવે મેનેજર (DRM) સમક્ષ લેખિત ફરિયાદ કરી હતી. ફરિયાદ મુજબ, અસારવા-કોટા એક્સપ્રેસના SLR કોચમાં માલ લોડિંગ વખતે મુખ્ય પાર્સલ સુપરવાઇઝર નિયમોનું પાલન કરાવવાની અને વજન કરવાની ધમકી આપીને નિયમિતપણે ગેરકાયદે નાણાં માંગતા હતા. સતત માનસિક ત્રાસ અને શોષણથી કંટાળીને અરજદારે આખરે નોકરી છોડવી પડી હતી.
પીડિતે ફરિયાદ સાથે લાંચની માંગણીના ઓડિયો રેકોર્ડિંગ અને કોલ ડિટેઇલ્સ સહિતના પુરાવા રેલવે તંત્રને સુપરત કર્યા હતા. ફરિયાદના પગલે કર્મચારીને 38 દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. પરંતુ ત્યારબાદ 2 વર્ષ સુધી આ ફાઇલ ઉચ્ચ અધિકારીઓ પાસે પડી રહી. હવે જ્યારે કર્મચારી નિવૃત્તિ નજીક છે, ત્યારે તંત્ર સક્રિય થયું છે અને માઇનર પેનલ્ટી ચાર્જશીટ પકડાવી દેવામાં આવી છે.
રેલવે કર્મચારી વર્તુળોમાં ચર્ચા છે કે કોમર્શિયલ વિભાગમાં ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવતા કે કાયદાનું પાલન કરાવવા માંગતા પ્રામાણિક કર્મચારીઓની આંતરિક બદલી કરી દેવાય છે, જ્યારે ઉચ્ચ અધિકારીઓ સાથે સાંઠગાંઠ ધરાવતા કર્મીઓને મહત્વના પદો પર રક્ષણ મળે છે. જો સુપરવાઇઝર સ્તરના કર્મચારી સામે આવા પુરાવા હોવા છતાં કાર્યવાહી ન થાય, તો આ ગેરકાયદે વસૂલીના તાર ઉચ્ચ અધિકારીઓ સુધી જોડાયેલા હોવાની શક્યતા નકારી શકાય નહીં.
આ પ્રકરણે રેલવે પ્રશાસનની પારદર્શિતા અને જવાબદારી અંગે ગંભીર સવાલો ઊભા કર્યા છે.