સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદમાં ₹1,275 કરોડના રેલ પ્રોજેક્ટ: ટ્રેનો સ્ટેશનને બાયપાસ કરીને દોડશે, વસ્ત્રાપુર સ્ટેશન ખસેડાશે

અમદાવાદમાં ₹1,275 કરોડના રેલ પ્રોજેક્ટ: ટ્રેનો સ્ટેશનને બાયપાસ કરીને દોડશે, વસ્ત્રાપુર સ્ટેશન ખસેડાશે

પશ્ચિમ રેલવે અમદાવાદમાં વધતા ટ્રાફિકને ઘટાડવા ₹1,275 કરોડના ખર્ચે બે મહત્વના પ્રોજેક્ટ હાથ ધરી રહી છે. આ પ્રોજેક્ટમાં સાબરમતી-સરખેજ રેલવે લાઇનનું ડબલિંગ (21 કિમી) અને ગેરતપુર-સાણંદ વચ્ચે ચોથી લાઇન નાખવાનો સમાવેશ થાય છે. આના પગલે મુંબઈથી સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત જતી ટ્રેનો અમદાવાદ સ્ટેશનમાં પ્રવેશ્યા વિના સીધી વિરમગામ તરફ જઈ શકશે, જેનાથી કાલુપુર સ્ટેશન પરનું ભારણ ઘટશે.

હાલમાં મુંબઈથી આવતી અને સૌરાષ્ટ્ર કે ઉત્તર ગુજરાત જતી મોટાભાગની ટ્રેનોને અમદાવાદના વ્યસ્ત રેલવે કોરિડોરમાંથી પસાર થવું પડે છે. આ કારણે સમય બગડે છે અને ટ્રેક પર દબાણ વધે છે. ગેરતપુર-સાણંદ ચોથી લાઇન બન્યા બાદ ઓપરેશનલ રીતે યોગ્ય ટ્રેનોને ગેરતપુરથી સાણંદ તરફ ડાયવર્ટ કરી શકાશે. ત્યાંથી વિરમગામ થઈને આ ટ્રેનો અમદાવાદ સ્ટેશનમાં પ્રવેશ્યા વગર સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત તરફ જઈ શકશે.

અમદાવાદ જંક્શન પર પ્લેટફોર્મની અછત અને ટ્રેનોની અવરજવરને કારણે હાલમાં ઘણી ટ્રેનોને સિગ્નલ પર રોકી રાખવી પડે છે. આ બાયપાસ રૂટ મળવાથી પ્લેટફોર્મની ઉપલબ્ધતા વધશે, ટ્રેનોને આઉટરમાં રોકવાની જરૂર નહીં પડે, અને લાંબા અંતરની સુપરફાસ્ટ ટ્રેનો માટે ઝડપી રૂટ મળી રહેશે.

સાબરમતી-સરખેજ ડબલિંગ પ્રોજેક્ટના ભાગરૂપે વસ્ત્રાપુર રેલવે સ્ટેશનને હાલની જગ્યાએથી ખસેડીને વેજલપુર ઓવરબ્રિજ નજીક સ્થાપિત કરવામાં આવશે. નવા સ્ટેશન પર 300-350 મીટર લાંબા પ્લેટફોર્મ, બેસવાની વ્યવસ્થા, શુદ્ધ પીવાનું પાણી, આધુનિક શૌચાલય અને કમ્પ્યુટરાઈઝ્ડ બુકિંગ વિન્ડો સહિતની સુવિધાઓ વિકસાવવામાં આવશે.

આ માળખું પૂર્ણ થવાથી પેસેન્જર ટ્રેનોની સાથે માલગાડીઓના સંચાલનમાં પણ સુધારો થશે. સાણંદ ઓટોમોબાઈલ અને સેમિકન્ડક્ટર હબ તરીકે ઊભરી રહ્યું છે, જ્યારે ધોલેરા સ્માર્ટ સિટી તરીકે ઔદ્યોગિક ગતિ પકડી રહ્યું છે. આ બંને વિસ્તારોમાંથી માલસામાન પહોંચાડવા માટે માલગાડીઓને ઝડપી અને અડચણમુક્ત નેટવર્ક મળી રહેશે.