સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદ-પુરી એક્સપ્રેસ 6.35 કલાક મોડી, મુસાફરોને રાત્રે સ્ટેશનમાં જ બેસવાની ફરજ

અમદાવાદ-પુરી એક્સપ્રેસ 6.35 કલાક મોડી, મુસાફરોને રાત્રે સ્ટેશનમાં જ બેસવાની ફરજ

અમદાવાદથી પુરી જતી સુપરફાસ્ટ એક્સપ્રેસ (ટ્રેન નંબર 12844) 31 ઑક્ટોબર, 2026ના રોજ સાંજે 7 વાગ્યાના બદલે મોડી રાત્રે 1:35 વાગ્યે (1 નવેમ્બર, 2026) ઉપડશે. એટલે કે ટ્રેન 6 કલાક 35 મિનિટ મોડી રવાના થશે. રેલવે પ્રશાસને આ નિર્ણય લીધો છે કારણ કે સામેથી આવતી પુરી-અમદાવાદ એક્સપ્રેસ (નંબર 12843) 14 કલાક મોડી પહોંચી રહી છે અને તેના કારણે લિંક રેક (ખાલી ટ્રેન) સમયસર ઉપલબ્ધ નથી.

પુરી-અમદાવાદ એક્સપ્રેસ ગુરુવારે સાંજે 5:30 વાગ્યાના બદલે રાત્રે 8:31 વાગ્યે પુરીથી રવાના થઈ હતી. માર્ગમાં ખુરદા રોડ અને ટીટલાગઢ વચ્ચે ટ્રેનને ડાયવર્ટ રૂટ પર ચલાવવામાં આવી, જેના કારણે તે ટીટલાગઢ સ્ટેશને બીજા દિવસે સવારે 4:55 વાગ્યાના બદલે સાંજે 4:28 વાગ્યે પહોંચી. આમ ટ્રેન 11 કલાક 30 મિનિટ મોડી થઈ ગઈ. વધુ વિલંબને કારણે ટ્રેન 13 કલાકથી વધુ મોડી થઈ છે અને શનિવારે સવારે 6:25 વાગ્યાના બદલે રાત્રે 8:30 વાગ્યા સુધીમાં અમદાવાદ પહોંચે તેવી શક્યતા છે.

ટ્રેન મોડી ઉપડવાને કારણે સાંજે સ્ટેશને પહોંચી ગયેલા મુસાફરોને 7થી 8 કલાક સુધી સ્ટેશન પર જ રાહ જોવી પડશે. આ ઉપરાંત, આગળની કનેક્ટિંગ ટ્રેનો પકડવાનું આયોજન ધરાવતા સેંકડો મુસાફરોને પણ ભારે હાલાકીનો સામો કરવો પડશે. રેલવેએ મુસાફરોને સમયસર માહિતી મેળવવા અને મુસાફરી પહેલાં ટ્રેનના સમયની ખાતરી કરવાની સલાહ આપી છે.