સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદ: દારૂના નશામાં PSIએ કાર ઠોકી, લોકોએ ઘેરી લીધા બાદ અટકાયત

અમદાવાદ: દારૂના નશામાં PSIએ કાર ઠોકી, લોકોએ ઘેરી લીધા બાદ અટકાયત

અમદાવાદ શહેરના એમ ડિવિઝન ટ્રાફિક પોલીસ મથકમાં ફરજ બજાવતા પી.એસ.આઈ. (PSI) ભરત પંડ્યાએ નશાની હાલતમાં સાબરમતી વિસ્તારમાં કાર હંકારીને અકસ્માત સર્જ્યો હતો. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા અને તેમણે પી.એસ.આઈ.ને ઘેરી લીધા હતા.

મળતી માહિતી અનુસાર, રિંગ રોડ આસપાસના વિસ્તારમાં રહેતા અને હાલમાં એમ ડિવિઝન ટ્રાફિકમાં વિશાલા બીટના ઈનચાર્જ તરીકે ફરજ બજાવતા પી.એસ.આઈ. ભરત પંડ્યાએ સાબરમતી વિસ્તારમાં દારૂના નશામાં કાર ચલાવીને અકસ્માત સર્જ્યો હતો. અકસ્માત બાદ આસપાસના લોકોએ ઘટનાનો વીડિયો બનાવી લીધો હતો. આ દરમિયાન તેમની કારની ડેકી તપાસતાં તેમાંથી દારૂની બોટલ પણ મળી આવી હતી.

લોકોએ તાત્કાલિક પોલીસને જાણ કરતા સાબરમતી પોલીસ સ્ટેશનની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે પી.એસ.આઈ. ભરત પંડ્યા તેમજ તેની કારને કસ્ટડીમાં લઈને આગળની કાર્યવાહી શરૂ કરી છે.

પી.એસ.આઈ. ભરત પંડ્યા અગાઉ પણ અનેક વિવાદોમાં સપડાયેલા રહ્યા છે. જ્યારે તેઓ શાહીબાગ પોલીસ સ્ટેશનમાં કાર્યરત હતા, ત્યારે પણ નશાની હાલતમાં વાહન ચલાવીને કેટલીક લારીઓ ઊંધી વાળી દીધી હોવાના આક્ષેપો સાથે તેમનો વીડિયો વાઈરલ થયો હતો. આ ઉપરાંત, થોડા સમય પહેલા જ તેમના બીટમાં ફરજ બજાવતા એક ટીઆરબી જવાને ફરજ દરમિયાન રિપોર્ટ કરતા તેમણે જવાનને માર મારવાની ધમકી આપી હતી. આ ધમકીના મામલે તે જવાને પી.એસ.આઈ. સામે ફરિયાદ પણ દાખલ કરાવી હતી.