સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદમાં CECના રાજીનામાની માંગ સાથે પ્રદર્શન, 100થી વધુ અટકાયત

અમદાવાદમાં CECના રાજીનામાની માંગ સાથે પ્રદર્શન, 100થી વધુ અટકાયત

અમદાવાદમાં શનિવારે (10 ઓક્ટોબર) સાંજે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ સાથે એમ.જે. લાઇબ્રેરી પાસે વિરોધ પ્રદર્શન યોજાયું હતું. આ પ્રદર્શનમાં કોંગ્રેસ, નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઇન્ડિયા (NSUI), સ્ટુડન્ટ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા (SFI) સહિતના 100થી વધુ કાર્યકરો અને વિદ્યાર્થીઓ જોડાયા હતા.

પ્રદર્શનકારીઓએ 'જ્ઞાનેશ કુમાર, ઇસ્તીફા દો', 'વોટ ચોર ગદ્દી છોડ' અને 'જ્ઞાનેશ કુમાર હટાવો, લોકશાહી બચાવો' જેવા નારા લગાવ્યા હતા. પોલીસે 100થી વધુ પ્રદર્શનકારીઓની અટકાયત કરી હતી.

સાંજે આશરે 6.30 વાગ્યે શરૂ થયેલું પ્રદર્શન રાતે 9 વાગ્યા સુધી ચાલ્યું હતું. એમ.જે. લાઇબ્રેરી અને આસપાસના વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પ્રદર્શનકારીઓની સંખ્યા વધતાં પોલીસે તેમને અટકાવવાની કાર્યવાહી કરી હતી. પોલીસે પ્રદર્શનકારીઓને ટિંગાટોળી કરીને પોલીસ વાનમાં બેસાડ્યા હતા.

દેશભરમાં ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતા અને મતદાર યાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) સામે સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે. વિપક્ષી પક્ષો અને વિવિધ સંગઠનોનું કહેવું છે કે આ પ્રક્રિયાથી મતદારોના અધિકારો પર અસર થાય છે. આ સંદર્ભમાં દિલ્હી સહિત દેશના અન્ય ભાગોમાં પણ વિરોધ પ્રદર્શનો થયા હતા, જ્યાં પોલીસે અનેક પ્રદર્શનકારીઓ અને વિપક્ષી નેતાઓની અટકાયત કરી હતી.

આ રાષ્ટ્રીય સ્તરે ચાલી રહેલા વિરોધના સંદર્ભમાં અમદાવાદમાં પણ વિદ્યાર્થીઓ અને યુવા સંગઠનોના સભ્યોએ એકત્ર થઈને વિરોધ નોંધાવ્યો હતો.