સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદના શાહીબાગ પોસ્ટ હબમાં છેતરપિંડી: RBI માટે મોકલેલી ₹2000ની નોટોના ₹11.86 લાખ અંગત ઉપયોગમાં

અમદાવાદના શાહીબાગ પોસ્ટ હબમાં છેતરપિંડી: RBI માટે મોકલેલી ₹2000ની નોટોના ₹11.86 લાખ અંગત ઉપયોગમાં

અમદાવાદના શાહીબાગ નેશનલ સોર્ટિંગ હબમાં ₹2000ની નોટોના ₹11.86 લાખના ઈન્સ્યોર્ડ પાર્સલમાં છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે. નિવૃત્ત કર્મચારી નટવરલાલ પંડ્યા અને તેના પુત્ર યશ પંડ્યા સામે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. આંતરિક ઓડિટમાં ગોટાળો પકડાતા બંને પાસેથી વ્યાજ અને પેનલ્ટી સહિત ₹13.12 લાખ વસૂલ કરવામાં આવ્યા હતા.

શાહીબાગ હબના મેનેજર દર્શન તપસ્વીએ નોંધાવેલી ફરિયાદ મુજબ, ઓક્ટોબર 2023માં આસિસ્ટન્ટ ડાયરેક્ટર જનરલ ઓફ પોસ્ટના પરિપત્ર બાદ નાગરિકોએ તેમની પાસેની ₹2000ની નોટો RBI ખાતે જમા કરાવવા પોસ્ટ મારફતે ઈન્સ્યોર્ડ આર્ટિકલ મોકલવાનું શરૂ કર્યું હતું. આ તમામ આર્ટિકલ સોર્ટિંગ માટે શાહીબાગ હબ ખાતે આવતા હતા. તે સમયગાળા દરમિયાન નટવરલાલ પંડ્યા મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ (MTS) તરીકે ફરજ બજાવતા હતા, જ્યારે તેમનો પુત્ર યશ પંડ્યા ગ્રામીણ ડાક સેવક તરીકે ફરજ બજાવતો હતો.

ગ્રાહકોના આર્ટિકલ RBI સુધી ન પહોંચતા થયેલી ફરિયાદોના આધારે ચીફ પોસ્ટ માસ્ટર જનરલે વિશેષ તપાસ ટીમની રચના કરી હતી. તપાસ દરમિયાન સામે આવ્યું કે 116 જેટલા ઈન્સ્યોર્ડ આર્ટિકલની સિસ્ટમમાં કોઈ એન્ટ્રી જ કરવામાં આવી નહોતી અને તેમાંથી ₹11.86 લાખ ગાયબ હતા.

પોસ્ટ વિભાગની તપાસ સમિતિ સામે સમગ્ર ભાંડો ફૂટી જતાં અને ખાતાકીય દબાણ વધતાં પિતા-પુત્રએ ચેક મારફતે ₹13.12 લાખ (મુદ્દલ + વ્યાજ/પેનલ્ટી) સરકારી તિજોરીમાં જમા કરાવી દીધા હતા. જોકે, સરકારી મિલકત અને હોદ્દાનો દુરુપયોગ કરી ગંભીર ગુનાઈત વિશ્વાસઘાત આચર્યો હોવાથી શાહીબાગ પોલીસે બંને આરોપીઓ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.