સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદમાં પોર્ટરની આડમાં ડ્રગ્સ હેરાફેરી, ડિલિવરી બોયની સતર્કતાથી પર્દાફાશ

અમદાવાદમાં પોર્ટરની આડમાં ડ્રગ્સ હેરાફેરી, ડિલિવરી બોયની સતર્કતાથી પર્દાફાશ

અમદાવાદમાં ડિલિવરી સેવા પ્લેટફોર્મ 'પોર્ટર'નો ઉપયોગ કરીને ડ્રગ્સની હેરાફેરી કરવાનો કિસ્સો સામે આવ્યો છે. ગોતા વિસ્તારમાં એક પાર્સલ પહોંચાડવાનો ઓર્ડર મળ્યા બાદ પોર્ટરના ડિલિવરી બોય વસંત સોલંકીને શંકા જતાં તેમણે પોલીસને જાણ કરી હતી. નરોડા પોલીસે ઘટનાસ્થળે પહોંચીને લગભગ 1,500 રૂપિયાની કિંમતનું MD ડ્રગ્સ જપ્ત કર્યું છે અને પાર્સલ મોકલનાર તેમજ મેળવનાર સામે ગુનો નોંધ્યો છે.

પોલીસના જણાવ્યા અનુસાર, વસંતભાઈ સોલંકીને પોર્ટર પરથી એક ઓર્ડર મળ્યો હતો કે તેમણે ગોતા વિસ્તારમાં સામાન પહોંચાડવાનો છે. જ્યારે તેઓ સામાન લઈને નીકળ્યા, ત્યારે તેમને સતીશભાઈ સરાણીયાના નંબર પરથી ફોન આવ્યો અને નાના ચિલોડા આવવાનું કહેવામાં આવ્યું. સતીશભાઈની પોર્ટર આઈડીમાંથી અજાણ્યા ઓર્ડર આવતા હોવાથી વસંતભાઈને શંકા ગઈ હતી. તેથી તેમણે ચકાસણી કરવા માટે પોર્ટર ડ્રાઈવરને નાના ચિલોડા બોલાવ્યો હતો. બંને ભેગા મળીને તપાસ કરતાં સામાનમાંથી એક પડીકી મળી આવી હતી, જે ડ્રગ્સ હોવાનું જણાતાં તેમણે તરત જ 100 નંબર પર પોલીસને ફોન કર્યો હતો.

પોલીસે સ્થળ પર પહોંચીને તપાસ કરતાં માલ મોકલનાર અને મેળવનારની માહિતી મળી હતી. માલ મેળવનાર પ્રિયાંક વસંતભાઈ સંઘવી (27 વર્ષ)ની ધરપકડ કરીને પૂછપરછ શરૂ કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું છે કે આ કેસમાં પકડાયેલ પોર્ટર ચાલક નિર્દોષ છે અને માલ આપનાર તથા લેનાર એમ બે લોકો સામે ધરપકડની કાર્યવાહી થવાની બાકી છે. પ્રાથમિક પૂછપરછમાં એવી બાબત સામે આવી છે કે આ માલ આગળ અન્ય કોઈ વ્યક્તિને આપવાનો હતો. પોલીસે આ નેટવર્કનો પર્દાફાશ કરવા માટે વધુ તપાસ હાથ ધરી છે, જેમાં ડ્રગ્સ ક્યાંથી લાવવામાં આવ્યું, પેકેટમાં કોણે પેક કર્યું અને ગોતામાં ચોક્કસ કોને આપવાનું હતું તે દિશામાં તપાસ કરવામાં આવી રહી છે.