સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદમાં પોર્ટર એપથી ડ્રગ્સની હેરાફેરી: ડિલિવરી વર્કરની શંકાથી બે વેપારી ઝડપાયા

અમદાવાદમાં પોર્ટર એપથી ડ્રગ્સની હેરાફેરી: ડિલિવરી વર્કરની શંકાથી બે વેપારી ઝડપાયા

અમદાવાદમાં ડ્રગ્સની હેરાફેરી માટે ડિલિવરી એપ પોર્ટરનો ઉપયોગ કરવાનો કિસ્સો સામે આવ્યો છે. નરોડા પોલીસે 0.77 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે બે વ્યક્તિની ધરપકડ કરી છે. આમાં સરદારનગરના અમિત સિંધી અને સાબરમતીના વેપારી પ્રિયંક સંઘવીનો સમાવેશ થાય છે. પોલીસના જણાવ્યા અનુસાર, ડ્રગ્સ મોકલનાર અમિત સિંધી છે, જ્યારે ડ્રગ્સ મંગાવનાર સાબરમતીનો વેપારી પ્રિયંક સંઘવી છે.

નરોડા પોલીસને સોમવારે રાત્રે આશરે 9 વાગ્યે પોલીસ કન્ટ્રોલ રૂમમાંથી જાણ મળી હતી કે નાના ચિલોડા સર્કલ પાસે ડ્રગ્સ સાથે સંબંધિત શખ્સ અંગે માહિતી મળી છે. તપાસમાં જાણવા મળ્યું કે ચાંદખેડાના જનતાનગરમાં રહેતા વસંતભાઈ માધુભાઈ સોલંકી પોર્ટર એપ દ્વારા વસ્તુઓ પહોંચાડવાનું કામ કરે છે.

એપ પર મળેલા ઓર્ડર મુજબ, તેમણે સતિષભાઈ નામના વ્યક્તિને ઇન્દિરા બ્રિજ સર્કલ પાસે આવેલી કોઠારી હોસ્પિટલ નજીક પાર્સલ પહોંચાડવાનું હતું. પરંતુ ઓર્ડર આપનાર વ્યક્તિએ પછીથી પાર્સલ નાના ચિલોડા નજીક નરોડા ખાતે પહોંચાડવાનું કહ્યું હતું.

પાર્સલ માટે જે સતિષભાઈનો મોબાઈલ નંબર આપવામાં આવ્યો હતો, તેમને ઓટીપી મળતાં તેમણે પોર્ટર વર્કરનો સંપર્ક કર્યો હતો. પાર્સલ મેળવીને ખોલતાં તેમાંથી ડ્રગ્સ જેવા પદાર્થની પડીકી મળી આવી હતી. આથી તેમણે પોલીસ કન્ટ્રોલ રૂમને જાણ કરી હતી.

પોલીસે એફએસએલની મદદથી તપાસ કરતાં પડીકીમાંથી રૂ. 1,540ની કિંમતનું 0.77 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું હતું. તપાસમાં એ પણ સામે આવ્યું કે ડ્રગ્સ મંગાવવા માટે લાકડાના વેપારી સતિષભાઈ સરાણિયાના મોબાઈલ નંબરનો દુરુપયોગ કરવામાં આવ્યો હતો. તેમના નામે પાર્સલ બુક કરાવાયું હતું, પરંતુ ડ્રગ્સ સાથે તેમને કોઈ લેવાદેવા નહોતી.

નરોડા પોલીસની તપાસમાં સામે આવ્યું કે પોર્ટર એપથી ડ્રગ્સ મોકલતી વખતે ડ્રગ્સ મેળવનાર તરીકે કોઈપણ રેન્ડમ મોબાઈલ નંબર આપવામાં આવતો હતો. પોર્ટરનો નંબર મળ્યા બાદ તે ડ્રગ્સ મેળવનારને મોકલવામાં આવતો હતો. આ રીતે મૂળ નંબર બંધ હોવાનું જણાવીને પાર્સલ મેળવવાની પદ્ધતિ અપનાવવામાં આવતી હતી.

પોલીસે આ કેસમાં અમિત સિંધી અને પ્રિયંક સંઘવીને ઝડપી લીધા છે અને સમગ્ર હેરાફેરી અંગે વધુ તપાસ હાથ ધરી છે.