અમદાવાદ શહેરમાં હવાનું પ્રદૂષણ વધી રહ્યું છે. ઘણા વિસ્તારોમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ 150થી વધુ નોંધાઈ રહ્યો છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને મ્યુનિસિપલ કમિશનરે સાપ્તાહિક સમીક્ષા બેઠકમાં કડક પગલાં લેવાના આદેશ આપ્યા છે.
બેઠકમાં કમિશનરે ઉત્તર ઝોનમાં પ્રદૂષણ વધવાનું કારણ પૂછ્યું હતું. નાયબ કમિશનરે જણાવ્યું કે ત્યાં બાંધકામના કામો વધુ ચાલી રહ્યા છે. જેથી કમિશનરે તમામ બાંધકામ સાઈટ પર પાણીનો છંટકાવ કરવા અને જો પગલાં ન લેવાય તો સાઈટ સીલ કરવા સુધીની કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે.
શહેરમાં ટ્રાફિકની સમસ્યા ઘટાડવા માટે શાકભાજીના ફેરિયાઓને રસ્તા પરથી હટાવવાની સૂચના આપવામાં આવી છે. તેમને દરેક વિસ્તારમાં ખાલી પ્લોટ ફાળવવા પણ કહેવામાં આવ્યું છે. જ્યારે નાયબ કમિશનરે પ્લોટ ન હોવાનો જવાબ આપ્યો ત્યારે કમિશનરે અસંતોષ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે તમામ ઝોનના એસ્ટેટ ઓફિસરોની બેઠક યોજીને દરેક ઝોનમાં મ્યુનિસિપલની માલિકીના ખાલી પડેલા પ્લોટમાં ફેરિયાઓને ખસેડવા.
ઉપરાંત, કમિશનરે 100 દિવસમાં 100 પ્રોજેક્ટ પૂરા કરવા પર ભાર મૂક્યો છે. બેઠકમાં અન્ય મહત્વની સૂચનાઓ પણ આપવામાં આવી:
- પાણીની સમસ્યા ઉકેલવા 108ની જેમ કામગીરી કરવી.
- શહેરનો હીટ એક્શન પ્લાન તૈયાર કરવો.
- તળાવો ઊંડા કરવાની કામગીરીનું આયોજન કરવું.
- આરડબલ્યુએના કર્મચારીઓની ભરતી માટે ધારા-ધોરણો નક્કી કરવા.
- બલ્ક વેસ્ટ જનરેશનમાં તમામ એકમોનું રજિસ્ટ્રેશન કરવું.
- એએમટીએસની બસો ફક્ત નિશ્ચિત સ્ટેન્ડ પર જ ઊભી રહે તે સુનિશ્ચિત કરવું, જેથી મુસાફરોને રસ્તા પર દોડાદોડી ન કરવી પડે. ડ્રાઈવરોને કડક તાલીમ આપવી અને જરૂરી જગ્યાએ રોડ માર્કિંગ કરવું.