સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદમાં પ્રદૂષણનો પ્રકોપ: 17 વિસ્તારોમાં AQI 200થી વધુ, થલતેજ સૌથી પ્રદૂષિત

અમદાવાદમાં પ્રદૂષણનો પ્રકોપ: 17 વિસ્તારોમાં AQI 200થી વધુ, થલતેજ સૌથી પ્રદૂષિત

અમદાવાદમાં દિવાળીની ઉજવણી બાદ હવામાં પ્રદૂષણનું સ્તર ચિંતાજનક રીતે વધ્યું છે. ફટાકડાના ધુમાડા અને વાતાવરણમાં ફેરફારને કારણે શહેરના 17 વિસ્તારોમાં AQI 200ને પાર કરી ગયો છે. થલતેજમાં 276, હેબતપુરમાં 264 અને સોલા સ્ટેશન-2માં 262 AQI નોંધાયો છે. બાળકો, વૃદ્ધો અને શ્વાસના દર્દીઓને ખાસ સાવચેતી રાખવા તબીબોએ અપીલ કરી છે.

આ વર્ષે દિવાળી પર મોટા પ્રમાણમાં ફટાકડા ફોડવામાં આવ્યા હતા. તેના કારણે હવામાં પ્રદૂષણનું પ્રમાણ વધ્યું છે. દિલ્હીની જેમ અમદાવાદમાં પણ વાયુ પ્રદૂષણની ગંભીર અસર જોવા મળી રહી છે. ફટાકડાના ધુમાડા અને બદલાતા હવામાનને કારણે શહેરના અનેક વિસ્તારોમાં હવાની ગુણવત્તા જોખમી સ્તરે પહોંચી ગઈ છે.

તાજેતરના આંકડા મુજબ, અમદાવાદના લગભગ 17 વિસ્તારોમાં AQI 200નો આંકડો વટાવી ગયો છે, જેને આરોગ્ય માટે 'સિવિયર' (ગંભીર) ગણવામાં આવે છે. સૌથી વધુ પ્રદૂષિત વિસ્તાર થલતેજ છે, જ્યાં AQI 276 સુધી પહોંચ્યો છે. હેબતપુરમાં 264 અને સોલા સ્ટેશન-2માં 262 AQI નોંધાયો છે.

અન્ય વિસ્તારોમાં બોપલમાં AQI 220, ઘુમામાં 217, સાઉથ બોપલના વિવિધ સ્ટેશનો પર 202 થી 240, શિવલિક લેક વ્યુમાં 234, વસંતનગરમાં 228, સરખેજમાં 201, ચાંદખેડામાં 203, નિગમનગરમાં 203 અને રામનગરમાં 202 AQI નોંધાયો છે.

હવામાં વધી ગયેલા ઝેરી કણોને કારણે નાના બાળકો, વૃદ્ધો અને શ્વાસ કે અસ્થમાની બીમારી ધરાવતા દર્દીઓ માટે મોટો ભય ઊભો થયો છે. તબીબોએ લોકોને સવારે વોક પર જતી વખતે અથવા રાત્રે બહાર નીકળતી વખતે માસ્ક પહેરવા અને સાવચેતી રાખવા સલાહ આપી છે.