અમદાવાદમાં બોગસ રાજકીય દાનનું મોટું કૌભાંડ સામે આવ્યું છે. આવકવેરા વિભાગ અને સી.આઈ.ડી. (CID) ક્રાઇમ બ્રાન્ચે તપાસ કરીને બે રાજકીય પાર્ટીઓ દ્વારા ચલાવવામાં આવતા આ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે.
તપાસ અનુસાર, 'સ્વતંત્રતા અભિવ્યક્તિ પાર્ટી' અને 'ગરીબ કલ્યાણ પાર્ટી' દ્વારા દેશના મોટા કરદાતાઓ પાસેથી કુલ 725 કરોડ રૂપિયાથી વધુનું બોગસ દાન સ્વીકારવામાં આવ્યું હતું. આ રીતે સરકારી તિજોરીને 217 કરોડ રૂપિયાથી વધુની કરચોરી થઈ હોવાનું સામે આવ્યું છે.
આ કૌભાંડમાં રાજકીય પાર્ટીના હોદ્દેદારો, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ (CA) અને ટેક્સ કન્સલ્ટન્ટ સહિત અનેક લોકો સંડોવાયેલા હોવાનું બહાર આવ્યું છે.
કૌભાંડ કેવી રીતે ચાલતું હતું?
આ કૌભાંડમાં મોટા કરદાતાઓને નિશાન બનાવવામાં આવતા હતા. કરદાતાઓ આવકવેરા કાયદાની કલમ 80GGC હેઠળ 100 ટકા ટેક્સ કપાતનો લાભ લેવા માટે આ પાર્ટીઓને ચેક કે RTGS મારફતે મોટું દાન આપતા હતા.
આ રકમ પાર્ટીના બેંક ખાતામાંથી 'જય ટ્રેડિંગ કંપની', 'ક્રિષ્ના એન્ટરપ્રાઇઝિસ' અને 'જલારામ એન્ટરપ્રાઇઝિસ' જેવી કાગળ પર ચાલતી શેલ કંપનીઓમાં ટ્રાન્સફર કરવામાં આવતી હતી. ત્યારબાદ દલાલો 5 થી 9 ટકા કમિશન કાપીને બાકીની રકમ કરદાતાઓને રોકડમાં પરત આપી દેતા હતા.
આ રીતે કાગળ પર ખોટું દાન દર્શાવીને મોટા પાયે કરચોરીનું નેટવર્ક ચલાવવામાં આવતું હતું.
સ્વતંત્રતા અભિવ્યક્તિ પાર્ટીનો કેસ
અમદાવાદના નરોડા વિસ્તારમાં કાર્યરત 'સ્વતંત્રતા અભિવ્યક્તિ પાર્ટી'એ 519 કરોડ રૂપિયાનું બોગસ દાન મેળવીને 155 કરોડ રૂપિયાથી વધુની ટેક્સ ચોરી કરી હોવાનું સામે આવ્યું છે.
આ કેસમાં સી.આઈ.ડી. ક્રાઇમે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ સુરેન્દ્ર તિવારી, ટેક્સ કન્સલ્ટન્ટ મેહુલ ખત્રી અને CA મયુરસિંહ રાઠોડ સામે ફરિયાદ નોંધી છે. CA મયુરસિંહ રાઠોડે એકાઉન્ટિંગના નિયમોનો ભંગ કરીને, હિસાબોની ચકાસણી કર્યા વગર ખોટા કન્ટ્રીબ્યુશન રિપોર્ટ તૈયાર કર્યા હતા. તેમણે પોતાની ડિજિટલ સાઇન કરીને આવકવેરા પોર્ટલ અને ભારતના ચૂંટણી પંચ સમક્ષ ખોટો ઓડિટ રિપોર્ટ પણ રજૂ કર્યો હતો.
ગરીબ કલ્યાણ પાર્ટીનો કેસ
નાના ચિલોડા ખાતે આવેલી 'ગરીબ કલ્યાણ પાર્ટી'ના બેંક ખાતાઓનો દુરુપયોગ કરીને 206 કરોડ રૂપિયાથી વધુના બોગસ દાન દ્વારા આશરે 62 કરોડ રૂપિયાની કરચોરી કરવામાં આવી છે.
આ મામલે સી.આઈ.ડી. ક્રાઇમે પાર્ટીના પ્રમુખ, સેક્રેટરી, ખજાનચી, કૌભાંડના મુખ્ય સૂત્રધાર, શેલ કંપનીના ધારક અને 3 CA સહિત કુલ 9 આરોપીઓ સામે ફોજદારી ગુનો દાખલ કર્યો છે.
આ કેસમાં CA કુલદીપદાન ટાપરિયાએ માત્ર 50,000 રૂપિયાની રોકડ રકમની લાલચમાં કોઈ પણ હિસાબ જોયા વગર ખોટા ઓડિટ રિપોર્ટને સાચો હોવાનું પ્રમાણિત કરી આપ્યું હતું. આ ઉપરાંત CA અશોક કુમાર શાહે પણ ખોટા હિસાબી રિપોર્ટ તૈયાર કરવામાં સાથ આપ્યો હતો.
લોકશાહીની પ્રક્રિયાના નામે માત્ર કાળા નાણાંને ધોળા કરવા માટે ઊભી કરાયેલી આ રાજકીય પાર્ટીઓએ દેશની અર્થવ્યવસ્થાને નુકસાન પહોંચાડ્યું છે.
હાલમાં આવકવેરા વિભાગ અને પોલીસ આ કેસમાં વધુ તપાસ કરી રહ્યા છે. ભવિષ્યમાં આ બોગસ દાનમાં સંડોવાયેલા અન્ય મોટા કરદાતાઓ અને અધિકારીઓના નામો પણ ખૂલવાની શક્યતા છે.