સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદના શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં યુવકે ગળાફાંસો ખાધો

અમદાવાદના શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં યુવકે ગળાફાંસો ખાધો

અમદાવાદના શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં મદદ માટે આવેલા ઉત્તરપ્રદેશના યુવકે પોલીસની નજર ચૂકવી ઈલેક્ટ્રિક રૂમમાં જઈ ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હોવાની ઘટના સામે આવી છે.

મૃતક રાજુ જામનગરમાં નોકરી કરતો હતો અને થોડા દિવસથી માનસિક તણાવમાં હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.

પોલીસે રાજુની તેના ભાઈ સાથે ફોન પર વાત કરાવી હતી. રાજુ પાસે પૈસા ન હોવાનું જણાવતા તેના ભાઈએ એક દિવસમાં રૂપિયા મોકલી આપવાની ખાતરી આપી હતી.

આ દરમિયાન એક પોલીસ કર્મચારીએ પણ રાજુને નાસ્તો કરવા માટે 100 રૂપિયા આપ્યા હતા. જોકે, રાજુ પોલીસ સ્ટેશનમાં હાજર હતો ત્યારે તક જોઈને ઈલેક્ટ્રિક રૂમમાં જતો રહ્યો હતો. થોડા સમય બાદ તેણે ત્યાં ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.

રાજુ છેલ્લા ચાર દિવસથી જામનગરમાં ટેન્શનમાં હતો. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. બીજી તરફ રાજુ સાથે યુપી જઈ રહેલો તેનો મિત્ર હાલમાં ફોન ઉપાડતો ન હોવાથી પોલીસે તેની પણ તપાસ શરૂ કરી છે.