સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદ: શેરબજારના દેવાથી કંટાળીને આત્મહત્યા કરવા નીકળેલા યુવકને પોલીસે બચાવ્યો

અમદાવાદ: શેરબજારના દેવાથી કંટાળીને આત્મહત્યા કરવા નીકળેલા યુવકને પોલીસે બચાવ્યો

અમદાવાદ, 5 સપ્ટેમ્બર: શહેરની કાગડાપીઠ પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને શેરબજારમાં ભારે આર્થિક દેવાના કારણે આત્મહત્યા કરવા નીકળેલા 28 વર્ષીય યુવકને ત્રણ કલાકની મહેનત બાદ સહી-સલામત શોધી કાઢ્યો હતો અને તેનો જીવ બચાવ્યો હતો.

મૂળ બનાસકાંઠાના વતની એવા રોહન (નામ બદલેલું છે) નામના યુવકે સવારે ચાર વાગ્યે પિતા અને મામાના દીકરાને વોટ્સએપ પર સુસાઇડ નોટ મોકલી ફોન બંધ કરી દીધો હતો. પરિવારે કંટ્રોલ રૂમમાં જાણ કરતાં સવારે 9:01 વાગ્યે કાગડાપીઠ પોલીસને સંદેશો મળ્યો હતો. સિનિયર પોલીસ નિરીક્ષક એસ.એ. ગોહીલ અને પોલીસ નિરીક્ષક એસ.એસ. સોલંકીના માર્ગદર્શન હેઠળ પોલીસે ટેકનિકલ અને માનવ સ્ત્રોતની મદદથી યુવકનું લોકેશન શોધી કાઢ્યું હતું.

પ્રાપ્ત વિગતો અનુસાર, યુવક છેલ્લા છ મહિનાથી શેરબજારમાં થયેલા નુકસાન અને દેવાના કારણે ગંભીર માનસિક તાણમાં હતો. કંટ્રોલ રૂમના સંદેશા બાદ કાગડાપીઠ પોલીસ સ્ટેશનની 'ટુ મોબાઇલ', 'વન મોબાઇલ' અને સર્વેલન્સ સ્કવોડની ત્રણ અલગ-અલગ ટીમો કામે લાગી હતી. પોલીસે સઘન તપાસ અને લોકેશન ટ્રેકિંગના આધારે યુવકને આત્મહત્યા કરે તે પહેલાં જ શોધી કાઢ્યો હતો.

પોલીસ ટીમે યુવકને સાંત્વના આપી અને તેનું કાઉન્સેલિંગ કર્યું હતું, ત્યારબાદ તેને પરિવારજનોને સોંપ્યો હતો. પરિવારજનોએ પુત્રનો જીવ બચાવવા બદલ કાગડાપીઠ પોલીસનો દિલથી આભાર માન્યો હતો.

ઉલ્લેખનીય છે કે, આ પહેલાં જુલાઈ મહિનામાં કાગડાપીઠ પોલીસની SHE ટીમ અને ડી-સ્ટાફે ઉત્તર પ્રદેશમાંથી અપહરણ થયેલી 14 વર્ષની સગીરાને સુરક્ષિત રીતે શોધી કાઢી હતી. આ બાળકી 25 જૂન, 2026ના રોજ અમદાવાદના ગીતા મંદિર વિસ્તારમાં એકલી રડતી હાલતમાં મળી આવી હતી. SHE ટીમે તેની સંભાળ લઈ કાઉન્સેલિંગ કર્યું હતું અને તેને સખી વન સ્ટોપ સેન્ટરમાં રાખવામાં આવી હતી.

તપાસમાં જાણવા મળ્યું કે, ઉત્તર પ્રદેશના અકરાબાદ પોલીસ સ્ટેશનમાં FIR નં. 297/2026 હેઠળ ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 137(2) મુજબ અપહરણનો ગુનો નોંધાયો હતો. કાગડાપીઠ પોલીસે ઉત્તર પ્રદેશ પોલીસનો સંપર્ક કરીને બાળકીને સહીસલામત સોંપી હતી.