અમદાવાદના સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનની ટીમે ઝડપી કાર્યવાહી કરતા સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી બસ સ્ટેશન પાસેથી અપહરણ કરાયેલા 4 વર્ષના બાળકને ગણતરીના કલાકોમાં સુરક્ષિત બચાવી લીધું હતું.
પોલીસને માહિતી મળી હતી કે એક અજાણી મહિલાએ બાળકનું અપહરણ કર્યું છે. આ સંદર્ભમાં તાત્કાલિક બ્રોડકાસ્ટ મેસેજ મોકલવામાં આવ્યો હતો. પોલીસે શહેરના વિવિધ વિસ્તારોમાં તપાસ શરૂ કરી હતી. બાતમીના આધારે ભાગવત સર્કલથી પ્રસંગ પાર્ટી પ્લોટ રોડ તરફ વોચ ગોઠવવામાં આવી હતી.
દરમિયાન શંકાસ્પદ મહિલાને રોકી તપાસ કરતા તેની પાસેથી અપહરણ કરાયેલું બાળક મળી આવ્યું હતું. પોલીસે મીના ઉર્ફે રમીલા નાથબાવા નામની મહિલાની ધરપકડ કરી બાળકને સુરક્ષિત કબજામાં લીધું હતું.
પ્રાથમિક પૂછપરછમાં આરોપી મહિલાએ ભીખ મગાવવાના ઈરાદાથી બાળકનું અપહરણ કર્યાની કબૂલાત કરી હતી. તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી મહિલા પોતે બ્રિજ નીચે કચરો વીણવાનું અને ભિક્ષાવૃત્તિ કરતી હતી, તેમજ પોતાના બાળકો પાસે પણ ભિક્ષાવૃત્તિ કરાવતી હતી.
સોલા હાઈકોર્ટ પોલીસની સતર્કતા અને સમયસૂચકતાને કારણે બાળકને ગણતરીના કલાકોમાં બચાવી શકાયું. પોલીસે બાળકને તેના પરિવારને સોંપવાની કાર્યવાહી હાથ ધરી છે અને મામલે વધુ તપાસ ચાલી રહી છે.