અમદાવાદના ઐતિહાસિક કોટ વિસ્તાર અને પ્રાચીન પોળોમાં નવરાત્રિનો પરંપરાગત રંગ જામ્યો છે. જ્યાં શહેરમાં મોટા પાર્ટી પ્લોટ અને ક્લબોમાં ઝાકઝમાળવાળી નવરાત્રિ ઉજવાઈ રહી છે, ત્યાં ઘી કાંટા અને શાહપુર જેવા વિસ્તારોમાં લોકો ડીજે કે ભપકા વગર ભક્તિભાવથી ગરબે ઘૂમી રહ્યા છે.
કોટ વિસ્તારમાં આવેલા ઘી કાંટા અને શાહપુરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ વિશાળ દરબાર અને ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. રસ્તાઓ પર દૂર સુધી માઈભક્તો અને ખેલૈયાઓની લાંબી લાઈનો જોવા મળે છે. આસપાસની વિવિધ પોળોના સ્થાનિક લોકો સાથે મળીને નવરાત્રિનું આયોજન કરે છે, જેથી આખા વિસ્તારમાં ભક્તિ અને આનંદનો માહોલ છવાયો છે.
આ સાદગીભરી નવરાત્રિમાં બાળકોથી લઈને વૃદ્ધો સુધી સૌ ગરબે ઘૂમીને માતાજીની આરાધના કરે છે. માતાજીનો ગરબો માથે મૂકીને ચાચર ચોકની ફરતે ગરબે ઘૂમવાનું પણ કોઈ ચૂકતું નથી.
આજના આધુનિક સમયમાં ભારે અવાજવાળા ડીજે કે મોંઘીદાટ લાઈટિંગ વગર પણ અહીં લોકો મન મૂકીને ગરબે ઘૂમે છે. પરંપરાગત ગરબાના તાલે ખેલૈયાઓ મોડી રાત સુધી રમઝટ બોલાવે છે. કોઈપણ જાતના ભપકા વગર માત્ર ભક્તિ, એકતા અને ઉત્સાહ સાથે ઉજવાતી આ નવરાત્રિ સાબિત કરે છે કે અમદાવાદનો સાચો આત્મા આજે પણ આ પોળોમાં વસે છે.