અમદાવાદની પોક્સો વિશેષ અદાલતે 6 વર્ષની બાળકી પર જાતીય હુમલાનો પ્રયાસ કરનાર તેના સાવકા પિતાને 20 વર્ષની સખત કેદ અને 75 હજાર રૂપિયાના દંડની સજા ફટકારી છે. આરોપી 43 વર્ષનો છે અને કુટુંબનો એકમાત્ર કમાનારો વ્યક્તિ હતો.
કૃષ્ણનગર પોલીસ મથકમાં આરોપી સામે ચાલુ વર્ષે ભારતીય ન્યાય સંહિતા (BNS) અને પોક્સો કાયદા હેઠળ ગુનો નોંધાયો હતો. કેસ અમદાવાદ સિટી સેશન્સ કોર્ટ ખાતેની પોક્સોની વિશેષ અદાલતમાં ચાલ્યો. જજ એ. બી. ભટ્ટે સરકારી વકીલ કે. જી. જૈનની દલીલો, સાત સાક્ષીઓની જુબાની અને 27 પુરાવાને ધ્યાનમાં લઈને આ ચુકાદો આપ્યો.
કેસમાં શું બન્યું?
પીડિતાની માતાના જણાવ્યા મુજબ, 22 માર્ચ, 2026ના રોજ બપોરે લગભગ અઢી વાગ્યે તે ગેલેરીમાં કપડાં સૂકવતી હતી. તે સમયે બેડરૂમમાંથી પુત્રીની ‘મમ્મી, મમ્મી’ એવી ચીસો સંભળાઈ. બેડરૂમમાં જતાં તેણે જોયું કે આરોપી, જે બાળકીનો સાવકો પિતા છે, તે માત્ર ટી-શર્ટ પહેરેલી હાલતમાં બેડ પર બાળકીને પકડીને બેઠો હતો. બાળકીએ રડતાં રડતાં કહ્યું કે તેના પિતાએ તેના કપડાં ઉતારીને જાતીય અડપલાં કર્યાં અને દુષ્કર્મનો પ્રયાસ કર્યો.
માતાએ 181 મહિલા અભયમ હેલ્પલાઇન અને 112 પર ફોન કર્યો. પોલીસ વાન આવી અને કૃષ્ણનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ. ઘટના સમયે બાળકીની ઉંમર 6 વર્ષ અને 10 મહિનાની હતી.
સાક્ષીઓ ફરી ગયા, પણ કોર્ટે પુરાવા ધ્યાને લીધા
સુનાવણી દરમિયાન પીડિતા અને તેની માતા બંને પોતાનાં મૂળ નિવેદનોમાંથી ફરી ગયાં હતાં. માતાએ દાવો કર્યો કે પતિ-પત્ની વચ્ચે ઘરગથ્થુ ઝઘડો અને મારપીટ થતાં હતાં, અને તે કારણે જ હેલ્પલાઇન બોલાવવામાં આવી હતી. બાળકીએ પણ માત્ર માતા-પિતા વચ્ચેના ઝઘડાની વાત કરી.
કોર્ટે નોંધ્યું કે સાક્ષીઓએ નિવેદન બદલ્યાં હોવા છતાં તબીબી પુરાવા અને ઘટના પછી તરત જ નોંધાયેલા 181 હેલ્પલાઇનના રેકોર્ડને નકારી શકાય નહીં. 181 અભયમ હેલ્પલાઇનની નોંધમાં 6 વર્ષની બાળકી પર જાતીય સતામણીનો સ્પષ્ટ ઉલ્લેખ હતો. તબીબી તપાસમાં પીડિતાના ગુપ્ત ભાગમાં લાલાશ જોવા મળી હતી, જે જાતીય હુમલાના પ્રયાસને સમર્થન આપે છે.
નિર્ભરતા પાછળનું કારણ
કોર્ટે અવલોકન કર્યું કે આરોપી જ કુટુંબનો એકમાત્ર કમાનારો હતો અને ફરિયાદી તથા પીડિતા બંને આર્થિક રીતે તેના પર નિર્ભર હતાં. આ આર્થિક અને ભાવનાત્મક દબાણને કારણે સાક્ષીઓ અદાલતમાં મૂળ વાતથી ફરી ગયા હોવાનું માનવાનું પૂરતું કારણ છે.
કોર્ટે આરોપીને 20 વર્ષની સખત કેદ અને 75 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. સાથે જ પીડિતાને 4 લાખ રૂપિયા વળતર ચૂકવવાનો હુકમ પણ કર્યો છે.