અમદાવાદ: શહેરના શાહીબાગ વિસ્તારમાં રહેતી 9 વર્ષની બાળકી પર શારીરિક શોષણના કેસમાં અમદાવાદ સિટી સેશન્સ કોર્ટ ખાતેની પોક્સોની વિશેષ અદાલતે મોટો ચૂકાદો આપ્યો છે. જજ એચ.એન. દેસાઈએ આરોપી મુજીબ શેખ (53)ને દોષિત ઠેરવીને 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. કોર્ટે ભોગ બનનાર બાળકીને વળતર પેટે રૂ. 4 લાખ ચૂકવવાનો આદેશ પણ આપ્યો છે.
આ કેસમાં સરકારી વકીલ દિલીપસિંહ એમ. ઠાકોરે 11 સાક્ષીઓની જુબાની અને 21 પુરાવા રજૂ કરીને આરોપી સામેનો ગુનો પુરવાર કર્યો હતો. કોર્ટે પુરાવાઓ અને દલીલોને ધ્યાનમાં લઈને આ સજા ફટકારી છે.
કેસની વિગતો મુજબ, આરોપી મુજીબ શેખ પીડિતાના પડોશમાં રહેતો હતો. માર્ચ 2025માં તેણે બાળકીને ઈશારો કરીને પોતાના ઘરે બોલાવી, કપડાં ઉતારીને અયોગ્ય સ્પર્શ કર્યો અને લૈંગિક શારીરિક શોષણ કર્યું. આ પ્રકારનું કૃત્ય તેણે 4 થી 5 વખત કર્યું હતું. આરોપી બાળકીને કોઈને ન કહેવા માટે 20 રૂપિયા આપતો હતો અને જો તે માતા-પિતાને કહેશે તો જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો.
આ ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે પીડિતા પોતાની બહેનપણીઓ સાથે રમતી વખતે આ વિશે વાત કરી રહી હતી. તેની પિતરાઈ બહેને આ વાત સાંભળી લીધી અને બાળકીની માતાને જાણ કરી. ત્યારબાદ પરિવારે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.