સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદ POCSO કેસ: સગીરા પર દુષ્કર્મના મુખ્ય આરોપીને 20 વર્ષની કેદ, સહ-આરોપી નિર્દોષ

અમદાવાદ POCSO કેસ: સગીરા પર દુષ્કર્મના મુખ્ય આરોપીને 20 વર્ષની કેદ, સહ-આરોપી નિર્દોષ

અમદાવાદની વિશેષ અદાલતે POCSO કેસમાં એક મહત્વનો ચુકાદો આપ્યો છે. સગીરા પર દુષ્કર્મ આચરવાના આરોપમાં મુખ્ય આરોપી કૃષ્ણા પરમારને દોષિત ઠેરવીને 20 વર્ષની કઠોર કેદની સજા ફટકારવામાં આવી છે. સાથે જ, પીડિતાને 4 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો છે. કોર્ટે પુરાવાના અભાવે સહ-આરોપીને નિર્દોષ જાહેર કરીને મુક્ત કરી દીધો છે.

ન્યાયાધીશ એચ.એન. દેસાઈએ 16 સાક્ષીઓ અને 32 પુરાવાઓ તેમજ તબીબી રિપોર્ટને આધારે આ સજા ફરમાવી છે. કોર્ટ સમક્ષ પીડિતાનું CrPC 164 હેઠળ નિવેદન નોંધવામાં આવ્યું હતું, જેમાં તેણે આરોપી સામેની હકીકતો જણાવી હતી. તબીબી પુરાવાઓ પરથી આરોપી કૃષ્ણા સામેનો ગુનો નિઃશંકપણે સાબિત થયો હતો.

ફરિયાદી અનુસાર, 3 સપ્ટેમ્બર 2023ના રોજ 15 વર્ષીય સગીરાના પિતા અને તેમની પત્ની સગાંના ઘરે ગયા હતા, ત્યારે પીડિતા ઘરે એકલી હતી. આરોપી કૃષ્ણા પીડિતાના ઘરની છત પર ગયો અને તેના ભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપીને તેને પોતાની સાથે આવવા મજબૂર કરી હતી. સહ-આરોપીએ પીડિતાને મોટરસાયકલ પર લઈ જઈને કૃષ્ણાને સોંપી દીધી હતી. ત્યારબાદ, કૃષ્ણા પીડિતાને હાટકેશ્વર વિસ્તારમાં આવેલા એકતા એપાર્ટમેન્ટના ધાબા પર લઈ ગયો અને ત્યાં તેની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધ્યો હતો. બીજા દિવસે સવારે તેને પાંજરાપોળ પાસે છોડી દેવામાં આવી હતી, ત્યારબાદ પરિવારે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

સહ-આરોપીને કોર્ટે નિર્દોષ છોડી મુક્યો છે, કારણ કે તે માત્ર પીડિતાને બાઈક પર મૂકવા ગયો હતો. તેના વિરુદ્ધ ધમકી આપવાનો, લાલચ આપવાનો, બળાત્કારમાં સીધી મદદ કરવાનો કે તેના ઈરાદાની જાણ હોવાનો કોઈ પુરાવો મળ્યો ન હતો. આથી કોર્ટે તેને નિર્દોષ જાહેર કર્યો.

આ ચુકાદો POCSO કાયદા હેઠળ સગીરો વિરુદ્ધના ગુનાઓમાં કડક સજાનો સંદેશ આપે છે. કોર્ટે પીડિતાને વળતર આપવાનો આદેશ કરીને ન્યાયિક પ્રક્રિયામાં પીડિતાના અધિકારોને પણ મહત્વ આપ્યું છે.