સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદમાં 6 વર્ષીય બાળક સાથે દુષ્કર્મના આરોપીને 20 વર્ષની સજા, 4 લાખ વળતર

અમદાવાદમાં 6 વર્ષીય બાળક સાથે દુષ્કર્મના આરોપીને 20 વર્ષની સજા, 4 લાખ વળતર

અમદાવાદની પોક્સો કોર્ટે નારણપુરા વિસ્તારના 26 વર્ષીય ગૌતમ ઠાકોરને 6 વર્ષના બાળક સાથે દુષ્કર્મ આચરવા બદલ 20 વર્ષની કેદની સજા ફટકારી છે. કોર્ટે આરોપીને બાળકને 4 લાખ રૂપિયા વળતર ચૂકવવાનો આદેશ પણ આપ્યો છે.

આ કેસ ચાલુ વર્ષે નારણપુરા પોલીસ મથકમાં ભારતીય ન્યાય સંહિતા (BNS) અને પોક્સો કાયદા હેઠળ નોંધાયો હતો. અમદાવાદ સિટી સેશન્સ કોર્ટ ખાતેની પોક્સોની વિશેષ અદાલતમાં જજ એચ.એન. દેસાઈએ સરકારી વકીલ દિલીપસિંહ એમ. ઠાકોરની દલીલો, સાક્ષીઓના જુબાની અને પુરાવાઓ તપાસ્યા બાદ આ ચુકાદો આપ્યો.

કેસની વિગતો મુજબ, આરોપી બાળકની પડોશમાં રહેતો હતો. તેણે બાળકને ફુગ્ગા અપાવવાની લાલચ આપીને પોતાના ઘરે બોલાવ્યો હતો અને ત્યારબાદ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. ઘટનાના કારણે બાળક દુઃખી થઈને ઘરે દોડી ગયું અને સૂઈ ગયું. બાળક ગભરાયેલું દેખાતું હોવાથી માતાએ પૂછપરછ કરી, ત્યારે બાળકે આખી ઘટના જણાવી. બાદમાં માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી.

કોર્ટે આરોપીને 20 વર્ષની કેદની સજા ઉપરાંત બાળકને 4 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે. આ કેસ બાળકો સામેના ગુનાઓમાં કડક સજા અને પીડિતને વળતર આપવાની કાનૂની જોગવાઈને દર્શાવે છે.