સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદ: 8 વર્ષના બાળક સાથે દુષ્કર્મના આરોપીને 20 વર્ષની સખત કેદ, કોર્ટની ટકોર

અમદાવાદ: 8 વર્ષના બાળક સાથે દુષ્કર્મના આરોપીને 20 વર્ષની સખત કેદ, કોર્ટની ટકોર

અમદાવાદના ખોખરા વિસ્તારમાં આઠ વર્ષના બાળક સાથે દુષ્કર્મની ઘટનામાં પોકસો (POCSO) કોર્ટે 25 વર્ષીય આરોપી યશ ભાવેશભાઈ પટેલને દોષિત ઠેરવીને 20 વર્ષની સખત કેદ અને રૂ. 50 હજારનો દંડ ફટકાર્યો છે. એડિશનલ સેશન્સ જજ એન. એચ. વસવેલીયાએ આ ચુકાદો આપ્યો હતો. દંડની રકમમાંથી રૂ. 45 હજાર ભોગ બનનાર બાળકને આપવાનો આદેશ કોર્ટે આપ્યો છે. જો આરોપી દંડ ન ભરે તો વધુ એક વર્ષની સજા ભોગવવી પડશે.

કોર્ટે ચુકાદામાં નોંધ્યું કે આરોપી પુખ્ત વયનો છે અને તેણે નાના બાળક સાથે ગંભીર ગુનો કર્યો છે. આવા કૃત્યને હળવાશથી ન લઈ શકાય, નહીં તો સમાજમાં ખોટો સંદેશ જાય છે. બાળકો સામેના ગુનાઓ વધી રહ્યા છે, તેથી ન્યાયના હિતમાં સખત સજા જરૂરી છે.

ઘટના જૂન 2025ની છે. ખોખરામાં વસાવડા હોલ પાસેના ફલેટના ધાબા પર આઠ વર્ષનો બાળક રમી રહ્યો હતો. તે સમયે આરોપી યશ પટેલ ધાબા પર આવ્યો અને બાળકને પોતાની પાસે બોલાવ્યું. તેણે પેન્ટ ખોલીને બાળક સાથે દુષ્કર્મ કર્યું. ઘરે જતાં બાળકને ગુપ્ત ભાગમાં દુખાવો થયો, તેથી તેણે માતાને ઘટનાની જાણ કરી. પરિવારે તાત્કાલિક બાળકને હોસ્પિટલ લઈ જતાં ડૉક્ટરે ઈજા થયાનું જણાવ્યું.

બાળકની માતાએ ખોખરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે પોકસો એક્ટ અને દુષ્કર્મની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી અને કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી. સરકારી વકીલ વિજયસિંહ ચાવડાએ આઠ સાક્ષીઓ અને 30 દસ્તાવેજી પુરાવા રજૂ કરીને આરોપી સામેનો કેસ પુરવાર કર્યો હતો.