અમદાવાદમાં ગયા વર્ષે 12 જૂને થયેલી વિમાન દુર્ઘટનામાં માતા-પિતા ગુમાવનાર બ્રિટિશ નાગરિક મિતેન પટેલે યુકેના વડાપ્રધાનને ઓપન લેટર લખીને તપાસમાં યુકેની એજન્સીને સામેલ કરવાની માંગ કરી છે. લંડનમાં રહેતા મિતેને આ દુર્ઘટનામાં પિતા અશોકભાઈ અને માતા શોભનાબેનને ગુમાવ્યા હતા. તેઓ ચારધામ યાત્રા માટે ભારત આવ્યા હતા અને પરત ફરતી વખતે આ દુર્ઘટના સર્જાઈ હતી.
મિતેને પોતાની વ્યથા વ્યક્ત કરતાં કહ્યું, 'ઘરનું બારણું ખોલું અને એવું યાદ આવે કે મારા પપ્પા અહીં ટીવીમાં ન્યૂઝ જોતા હોય, મમ્મી કિચનમાં હોય. આ બધું હવે નથી. અંદરથી હું જે અનુભવું છું તેને શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી. હવે મમ્મી-પપ્પા વગરની જિંદગી જીવવી પડે છે. મારા મમ્મી-પપ્પા જ મારા માટે બધુ હતા.'
મિતેને જણાવ્યું કે તેમની માતાનો મૃતદેહ યુકે પહોંચ્યાના ત્રણ દિવસ પછી ખબર પડી કે તેમના મૃતદેહ સાથે અન્ય એક મૃતકના અંગો પણ હતા. આ અંગોની ઓળખ થવામાં એક વર્ષથી વધુ સમય લાગ્યો. મિતેને કહ્યું, 'ક્રિયા કર્મ પછી મને કહેવાયું કે મમ્મીના અમુક પાર્ટસ મિસિંગ હતા. જેથી મારા મગજમાં એ જ ચાલે છે કે મમ્મીના આ પાર્ટસ મિસિંગ કેમ છે. સિટી સ્કેનમાં 2 હાડકાં મળ્યાં હતાં. આ અંગે મારે ઘણું પૂછવાનું છે.'
દુર્ઘટનાને 16 મહિના વીતી ગયા છતાં હજુ કોઈ સ્પષ્ટ કારણ બહાર આવ્યું નથી. મિતેને જણાવ્યું કે જ્યારે દુર્ઘટનાને એક વર્ષ પૂરું થયું ત્યારે અમને આશા હતી કે ભારત સરકાર ઓછામાં ઓછી થોડી માહિતી તો આપશે, પણ તેના બદલે ફક્ત એક નાનકડો પેરેગ્રાફ મળ્યો. ભારત સરકાર હજુ માહિતી એકઠી કરે છે, હજી ફાઇનલ રિપોર્ટ નહીં આવે. આ તપાસમાં પારદર્શકતાનો અભાવ છે.
મિતેને ભારતના પીએમઓ ગ્રીવન્સ પોર્ટલમાં પણ ફરિયાદ કરી હતી, પરંતુ કોઈ જવાબ આપ્યા વગર તે ફરિયાદ 15 દિવસમાં ક્લોઝ કરી દેવાઈ. તેમણે કહ્યું, 'મેં મદદ માટે પોર્ટલમાં ફરિયાદ કરી કે અમારી સાથે આવી રીતે બધું થયું છે. મારા પપ્પા તો નરેન્દ્ર મોદીના સપોર્ટર હતા. પણ 15 દિવસ સુધી કોઈ જવાબ ન આવ્યો, અને પછી ખબર પડી કે ફરિયાદ ક્લોઝ કરી દેવાઈ હતી.'
મિતેને જણાવ્યું કે તેમણે યુકે, ભારત સરકાર અને એવિએશન કંપનીઓ તરફથી કોઈ જવાબ મળ્યો નથી. અન્ય પીડિત પરિવારો સાથે વાત કરતાં પણ એ જ અનુભવ થયો. બોઇંગ અને એર ઇન્ડિયા જેવી કંપનીઓને પૂછવા છતાં કોઈ જવાબ મળતો નથી. બ્રિટિશ નાગરિક તરીકે ભારત સરકારે જે સપોર્ટ કરવો જોઈએ તે મળ્યો નથી. યુકેની પહેલાંની સરકારને પણ મદદ માટે પૂછ્યું હતું, પણ કોઈ જવાબ નથી મળ્યો.
મિતેને પિતાની ઇચ્છા પૂરી કરવા ગયા સપ્ટેમ્બરમાં ચાણોદમાં નર્મદા કિનારે તેમના અસ્થિ વિસર્જન કર્યા હતા. વર્ષો પહેલાં પિતાએ તેમને કહ્યું હતું કે ચાણોદમાં નર્મદા કિનારે અસ્થિ વિસર્જન કરજે.
મિતેન પટેલનો આ ઓપન લેટર દુર્ઘટનાના પીડિતોની વ્યથા અને તપાસમાં પારદર્શકતાની જરૂરિયાત તરફ ધ્યાન દોરે છે.