અમદાવાદના પીરાણા ખાતેના 180 MLD સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (STP)ના પમ્પિંગ સ્ટેશનની મશીનરી, જે સામાન્ય રીતે 25 વર્ષ ચાલવી જોઈએ, તે માત્ર 16 વર્ષમાં જ ખરાબ થઈ ગઈ છે. કેમિકલયુક્ત પાણીના કારણે થયેલા આ નુકસાનને બદલવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને અંદાજે 12 કરોડ રૂપિયાનો ખર્ચ કરવો પડશે.
મળતી માહિતી અનુસાર, દાણીલીમડા, બહેરામપુરા અને નારોલ સહિત પૂર્વ પટ્ટાના વિસ્તારોમાંથી ગટર લાઇનમાં કેમિકલયુક્ત પાણી ભળે છે. આ ઉપરાંત મધ્ય ઝોનના શાહપુર-દૂધેશ્વર વિસ્તાર તેમજ ઉત્તર, પૂર્વ અને દક્ષિણ ઝોનના કેટલાક ઔદ્યોગિક વિસ્તારોમાંથી પણ ટ્રીટમેન્ટ કર્યા વગરનું કેમિકલયુક્ત પાણી ગટર લાઇનમાં છોડવામાં આવે છે. આ પાણી લાંબા સમયથી ગટર વ્યવસ્થામાં પહોંચતું હોવાથી STPની મશીનરી પર અસર પડી હોવાનું સૂત્રો કહે છે.
પીરાણા ખાતેના 180 MLD STPના પમ્પિંગ સ્ટેશનમાં લગાવેલી મશીનરીની સામાન્ય આયુષ્ય આશરે 25 વર્ષ હોય છે. જોકે, કેમિકલયુક્ત પાણીની અસરને કારણે આ મશીનરી માત્ર 15-16 વર્ષમાં જ ખરાબ થઈ ગઈ હોવાનું સૂત્રોનું કહેવું છે. મશીનરીમાં કેમિકલની અસરથી કાટ લાગવા અને અન્ય નુકસાનના કારણે હવે તેને બદલવાની જરૂર પડી છે. પરિણામે અંદાજે 12 કરોડ રૂપિયાનો ખર્ચ કોર્પોરેશનને કરવો પડશે. એટલે કે કેમિકલયુક્ત પાણીના નિકાલ પર અસરકારક નિયંત્રણ ન રહેવાના કારણે થયેલા નુકસાનનો આર્થિક બોજો જાહેર તિજોરી પર પડવાની સ્થિતિ ઊભી થઈ છે.
180 MLD STPની મશીનરી બદલવાની કામગીરી પૂર્ણ થયા બાદ પીરાણા ખાતેના 155 MLD STPના પમ્પિંગ સ્ટેશનની મશીનરી પણ બદલવાની જરૂરિયાત હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. આ ઉપરાંત વાસણા STPના પમ્પિંગ સ્ટેશનની મશીનરી પણ અગાઉ બદલવી પડી હોવાનું જાણવા મળ્યું છે. આગામી સમયમાં વિંઝોલ ખાતે કેમિકલયુક્ત પાણીની અસરથી નુકસાન પામેલી પમ્પિંગ મશીનરી બદલવાની કામગીરી પણ હાથ ધરવામાં આવશે.
શહેરના ઔદ્યોગિક વિસ્તારોમાંથી કેમિકલયુક્ત પાણીના નિકાલનો મુદ્દો અગાઉ સાબરમતી નદીના પ્રદૂષણ સાથે પણ જોડાયો હતો. સૂત્રોના જણાવ્યા મુજબ, એક તરફ ગેરકાયદે જોડાણો મારફતે કેમિકલયુક્ત પાણી કોર્પોરેશનની ગટર લાઇનમાં છોડવામાં આવતું હતું, જ્યારે બીજી તરફ વાસણા બેરેજ બાદ ખાનગી મોટી ગટર લાઇન મારફતે સીધું નદીમાં પાણી છોડવામાં આવતું હોવાની બાબતો સામે આવી હતી. સાબરમતી નદીના પ્રદૂષણ મામલે હાઇકોર્ટની કડક કાર્યવાહી બાદ GPCB અને કોર્પોરેશનના ઇજનેર વિભાગે ઔદ્યોગિક એકમો સામે કાર્યવાહી શરૂ કરી હતી. ત્યારબાદ ફેક્ટરીઓ દ્વારા પોતાના ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં પાણી ટ્રીટ કરીને છોડવામાં આવતું હોવાનું રેકોર્ડ પર દર્શાવવામાં આવે છે.
કેમિકલયુક્ત પાણી ગટર લાઇનમાં ન પહોંચે અને ઔદ્યોગિક એકમો પાણી ટ્રીટ કર્યા બાદ જ તેનો નિકાલ કરે તે માટે GPCB તેમજ કોર્પોરેશનના સંબંધિત ઇજનેર વિભાગની દેખરેખ જરૂરી છે. તેમ છતાં જો આવા પાણીની અસરથી 25 વર્ષ ચાલવાની મશીનરી 16 વર્ષમાં જ બદલવાની નોબત આવે અને 12 કરોડ રૂપિયાનો ખર્ચ થાય, તો ગટર લાઇનમાં આવતા પાણીના મોનિટરિંગ અને ઔદ્યોગિક એકમો પરની દેખરેખ સામે સવાલ ઊભા થાય છે.