અમદાવાદના પીરાણા ડમ્પિંગ સાઇટ પર કચરો વીણનારાઓ દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના કર્મચારીઓ પર હુમલાની ઘટનાઓ વધી છે. તાજેતરમાં એક કર્મચારી પર હુમલો થતાં તેમનો હાથ ફ્રેક્ચર થયો હતો.
પીરાણા ડમ્પિંગ સાઇટ પર જ્યારે કચરો ઠાલવવા માટે મોટાં વાહનો પહોંચે છે, ત્યારે કચરો વીણતા લોકો મોટી સંખ્યામાં ત્યાં એકઠા થઈ જતા હોય છે. વાહનમાંથી કચરો ખાલી કરવાની કામગીરી દરમિયાન તેઓ વાહનને ચારેય બાજુથી ઘેરી લેતા હોવાની ફરિયાદ સામે આવી છે. કચરો ઠલવાતાની સાથે જ તેને વીણવા માટે લોકો વચ્ચે અંદરોઅંદર પડાપડી થતી હોવાના કારણે અકસ્માતનો મોટો ભય રહે છે. ખાસ કરીને ઊંચાઈ પરથી કચરો ઠાલવવામાં આવતો હોવાથી લોકો નીચે પડી જઈને ઈજાગ્રસ્ત થાય તેવી શક્યતા રહેલી છે.
સ્થાનિક ધારાસભ્યના દાવા મુજબ થોડા સમય પહેલાં કચરો વીણતા કેટલાક લોકો અને AMCના કર્મચારી વચ્ચે ઉગ્ર ઘર્ષણ થયું હતું. આ દરમિયાન કર્મચારી પર હુમલો કરાતાં તેમના હાથમાં ફ્રેક્ચર થયું હતું. કચરો વીણવાની કામગીરીમાં અડચણ ઊભી થાય ત્યારે કેટલાક લોકો કર્મચારીઓ સાથે ઉગ્ર વર્તન કરતા હોવાના આક્ષેપને પગલે હવે ડમ્પિંગ સાઇટની સુરક્ષા અને પ્રવેશ વ્યવસ્થા સામે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે.
આ પ્રકારની અપ્રિય ઘટનાઓ ફરી ન બને અને AMCના કર્મચારીઓ સુરક્ષિત રીતે પોતાની ફરજ બજાવી શકે તે માટે પીરાણા સાઇટ પર બિનઅધિકૃત લોકોના પ્રવેશ પર કડક નિયંત્રણ લાવવાની માગ કરવામાં આવી છે. ખાસ કરીને કચરો ઠાલવતી વખતે વાહનોની આસપાસ ભીડ એકઠી ન થાય અને કામગીરીમાં કોઈ વિક્ષેપ ન પડે તે માટે યોગ્ય સુરક્ષા વ્યવસ્થા ગોઠવવા સ્થાનિક ધારાસભ્ય દ્વારા મ્યુનિસિપલ કમિશનર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.