સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદથી ફૂ ક્વોકની સીધી ફ્લાઇટ 2 ડિસેમ્બરથી શરૂ, ભાડું ₹30,000થી

અમદાવાદથી ફૂ ક્વોકની સીધી ફ્લાઇટ 2 ડિસેમ્બરથી શરૂ, ભાડું ₹30,000થી

અમદાવાદના પ્રવાસીઓ માટે વિયેતનામ જવું હવે સરળ બનશે. વિયેતનામની એરલાઇન સન ફૂ ક્વોક એરવેઝ (SPA) દ્વારા 2 ડિસેમ્બર, 2026થી અમદાવાદ અને ફૂ ક્વોક વચ્ચે સીધી નોન-સ્ટોપ ફ્લાઇટ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. ફૂ ક્વોકને 'પર્લ આઇલેન્ડ' તરીકે પણ ઓળખવામાં આવે છે અને તે વિયેતનામનું લોકપ્રિય પ્રવાસન સ્થળ છે. ભારતમાં આ એરલાઇનનો આ પ્રથમ રૂટ છે.

શરૂઆતમાં આ ફ્લાઇટ અઠવાડિયામાં પાંચ દિવસ ઉપલબ્ધ રહેશે. તેનાથી ગુજરાતના પ્રવાસીઓને કનેક્ટિંગ ફ્લાઇટ કે સ્ટોપઓવરની ઝંઝટમાંથી મુક્તિ મળશે.

ટાઇમટેબલ અને ભાડું

આ રૂટ પર ફુલ-સર્વિસ સુવિધા સાથે એરબસ A321neo વિમાન ઉડાન ભરશે. ટુ-વે ભાડું ₹30,000થી શરૂ થશે, જેમાં ભોજન, 23 કિલો ચેક-ઇન બેગેજ અને 7 કિલો કેબિન બેગેજનો સમાવેશ થાય છે.

ફૂ ક્વોકથી આ ફ્લાઇટ દર સોમવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર અને રવિવારે ઉપલબ્ધ રહેશે. ફેબ્રુઆરી 2027ની શરૂઆતથી આ સેવા અઠવાડિયાના સાતેય દિવસ ચાલુ કરવાની યોજના છે.

ફ્લાઇટ 9G315 (ફૂ ક્વોકથી અમદાવાદ): સાંજે 7:35 વાગ્યે ઉપડશે અને સ્થાનિક સમય મુજબ રાત્રે 11:30 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર ઉતરશે.

ફ્લાઇટ 9G314 (અમદાવાદથી ફૂ ક્વોક): રાત્રે 1:00 વાગ્યે અમદાવાદથી ઉપડશે અને સવારે 7:15 વાગ્યે ફૂ ક્વોક પહોંચશે. વહેલી સવારે લેન્ડિંગ થતાં પ્રવાસીઓ પ્રથમ દિવસથી જ રજાઓ માણી શકશે.

બુકિંગ પર 20 ટકા ડિસ્કાઉન્ટ

16 ઑક્ટોબરથી 13 ડિસેમ્બર, 2026 દરમિયાન એરલાઇનની વેબસાઇટ કે મોબાઇલ એપ પરથી ટિકિટ બુક કરાવનારા મુસાફરોને 31 માર્ચ, 2027 સુધીની મુસાફરી માટે બેઝ ફેર પર વધારાના 20 ટકા ડિસ્કાઉન્ટ મળશે. ફ્લાઇટમાં ભારતીય મુસાફરોની સંસ્કૃતિ અને ધાર્મિક માન્યતાઓ ધ્યાનમાં રાખીને ખાસ ભોજન અને પીણાંની વ્યવસ્થા રાખવામાં આવી છે.

પ્રવાસન અને બિઝનેસ કનેક્ટિવિટી વધશે

ઉપલબ્ધ માહિતી મુજબ, 2025માં સીધી ફ્લાઇટ ન હોવા છતાં ફૂ ક્વોકમાં અંદાજે 1,50,000 ભારતીય પ્રવાસીઓ ગયા હતા, જે અગાઉના વર્ષ કરતાં 328 ટકાનો વધારો દર્શાવે છે. સમગ્ર વિયેતનામમાં ભારતમાંથી 7,46,000 પ્રવાસીઓ ગયા હતા. ભારતના પ્રવાસન મંત્રાલય મુજબ 2024માં 54,091 વિયેતનામી પ્રવાસીઓ ભારત આવ્યા હતા.

સીધી ફ્લાઇટથી ફૂ ક્વોક ઉપરાંત હનોઈ, હો ચી મિન્હ સિટી, દા નાંગ, ન્હા ત્રાંગ, વાન ડોન અને હાઈ ફોંગ જેવા શહેરોની કનેક્ટિવિટી પણ સરળ બનશે. એરલાઇન 2027ના પ્રથમ ક્વાર્ટરમાં દિલ્હી અને મુંબઈથી પણ ફ્લાઇટ શરૂ કરવાની યોજના ધરાવે છે.

સન ફૂ ક્વોક એરવેઝના સેલ્સ ડિરેક્ટરે જણાવ્યું કે, "અમારી અમદાવાદ-ફૂ ક્વોક સેવાની શરૂઆત ભારત અને વિયેતનામ વચ્ચેની હવાઈ કનેક્ટિવિટીમાં એક મહત્ત્વપૂર્ણ કડી છે. સીધી ફ્લાઇટ સેવાથી બંને સ્થળો એકબીજાની વધુ નજીક આવશે અને મુસાફરોને પ્રવાસનું આયોજન કરવામાં સરળતા રહેશે."