સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદ: ફાર્મા કંપનીના બોગસ ઓર્ડર આપી વેપારી સાથે ₹47.37 લાખની છેતરપિંડી, માતા-પુત્ર સામે ફરિયાદ

અમદાવાદ: ફાર્મા કંપનીના બોગસ ઓર્ડર આપી વેપારી સાથે ₹47.37 લાખની છેતરપિંડી, માતા-પુત્ર સામે ફરિયાદ

અમદાવાદમાં એક ગ્રાફિક્સ વેપારી સાથે માતા-પુત્રએ ફાર્મા કંપનીઓના નામે બોગસ ઓર્ડર આપીને ₹47.37 લાખની છેતરપિંડી આચર્યાની ઘટના સામે આવી છે. આ મામલે ક્રાઈમબ્રાંચની આર્થિક ગુના નિવારણ શાખામાં ફરિયાદ નોંધાઈ છે.

સોલા રોડ પર રહેતા 51 વર્ષીય હિરેનકુમાર ચીનુભાઈ ગાંધી તેમની પત્ની શીતલબહેનના નામે 'શાર્પ ડિઝાઇન' નામની ફર્મ ચલાવે છે અને ગ્રાફિક્સ ડિઝાઇનિંગ તથા પ્રિન્ટિંગનો વ્યવસાય કરે છે. જુલાઈ 2024માં તેમની એક પરિચિત મારફતે રોનક પ્રમોદભાઈ ભાવસાર (રહે. સુકૂન રેસિડેન્સી, સિલ્વર સ્ટાર ચાર રસ્તા પાસે, ચાંદલોડિયા) સાથે મુલાકાત થઈ હતી. રોનકે જણાવ્યું કે તે નવરંગપુરા સ્ટેડિયમ રોડ પર આવેલા આભૂષણ કોમ્પ્લેક્સમાં પોતાની 'આર.બી. એન્ટરપ્રાઇઝ' અને માતા જાગૃતિબહેન પ્રમોદભાઈ ભાવસારના નામે 'પ્રજા ગ્રાફિક્સ' નામની ફર્મ ચલાવે છે અને છેલ્લા 20 વર્ષથી ફાર્મા કંપનીઓનું પ્રિન્ટિંગ કામ સંભાળે છે.

રોનકે હિરેનભાઈને ફાર્મા ક્ષેત્રનું મોટું કામ અપાવવાની ખાતરી આપી સંયુક્ત રીતે પાર્ટનરશિપમાં કામ કરવાની ઓફર કરી હતી. ત્યારબાદ ઓગસ્ટ 2024થી ઓક્ટોબર 2024 દરમિયાન રોનકે ઈમેલ પરથી હિરેનભાઈના મેઇલ આઇડી પર 'એઇમ ફાર્મા'ના ₹33.75 લાખ અને 'રેજીન ફાર્મા'ના ₹66.64 લાખ મળી કુલ લાખો રૂપિયાના બોગસ વર્ક ઓર્ડર મોકલ્યા હતા. બંને પેઢીઓને એક જ કંપનીના ઓર્ડર મળ્યા હોવાથી જથ્થાબંધ રો-મટિરિયલ્સ સાથે ખરીદીએ તો સસ્તું પડશે તેવું કહી રોનકે હિરેનભાઈ પાસેથી બેંક મારફતે ₹23.73 લાખ અને રોકડા ₹11.61 લાખ મળી કુલ ₹35.34 લાખ મેળવી લીધા હતા. જો કે, તેણે કોઈ કાચો માલ ખરીદ્યો નહોતો.

આ ઉપરાંત આરોપીઓએ પોતાની 'પ્રજા ગ્રાફિક્સ' પેઢીના બ્રોશર, સ્ટીકર અને બોક્સ પ્રિન્ટિંગનું ₹12.02 લાખનું કામ પણ કરાવી લીધું હતું. હિરેનભાઈએ નાણાંની ઉઘરાણી કરતાં માતા-પુત્ર વાયદા કરતા રહ્યા હતા. અંતે શંકા જતાં તપાસ કરતાં સામે આવ્યું હતું કે, જે એઇમ ફાર્મા અને રેજીન ફાર્માના પર્ચેસ ઓર્ડર આપવામાં આવ્યા હતા, તે કંપનીઓ વાસ્તવમાં અસ્તિત્વ ધરાવતી જ નહોતી. છેતરપિંડીનો ભોગ બન્યાનો અહેસાસ થતાં હિરેનભાઈએ આર્થિક ગુના નિવારણ શાખામાં આ મામલે રોનક ભાવસાર અને જાગૃતિબહેન ભાવસાર સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.