દિલ્હીના સત્ય નિકેતન વિસ્તારમાં PG તરીકે વપરાતી ઇમારત ધરાશાયી થવાની ઘટના બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) એ શહેરમાં PG, હોસ્ટેલ અને છાત્રાલયોની સ્ટ્રક્ચરલ સેફ્ટી ચકાસવા ઝુંબેશ શરૂ કરી છે. આ ઝુંબેશના પ્રથમ દિવસે શહેરના પાંચ ઝોનમાં 55 જેટલી ઇમારતોની તપાસ કરવામાં આવી હતી.
કોર્પોરેશનના શહેરી વિકાસ વિભાગના અધિકારીઓએ આ તપાસ દરમિયાન ઇમારતોના પાયા, બાંધકામમાં તિરાડો અને અન્ય જોખમી પાસાઓની ઝીણવટભરી તપાસ કરી હતી. પ્રાથમિક તપાસમાં તમામ 55 ઇમારતો સલામત હોવાનું જણાયું છે, પરંતુ તંત્રએ આ ઝુંબેશને શહેરની તમામ PG અને હોસ્ટેલ સુધી વિસ્તારવાનો નિર્ણય કર્યો છે.
AMCના અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ ઝુંબેશ પૂર્વ અને પશ્ચિમ સહિત શહેરના તમામ ઝોનમાં ચાલશે. તેમણે સંચાલકોને ઇમારતની નિયમિત જાળવણી કરવા અને સ્ટ્રક્ચરલ સેફ્ટી સર્ટિફિકેટ મેળવવાની સૂચના પણ આપી છે. આ પગલાંનો હેતુ દિલ્હી જેવી ઘટના અમદાવાદમાં ન બને તે સુનિશ્ચિત કરવાનો છે, જેથી હજારો વિદ્યાર્થીઓ અને નોકરિયાતો સુરક્ષિત વાતાવરણમાં રહી શકે.