સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદ: PG ફરિયાદ મામલે એસ્ટેટ કચેરીમાં બોલાચાલી, NSUI અને TDO વચ્ચે પરસ્પર આક્ષેપ

અમદાવાદ: PG ફરિયાદ મામલે એસ્ટેટ કચેરીમાં બોલાચાલી, NSUI અને TDO વચ્ચે પરસ્પર આક્ષેપ

અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં સોસાયટીઓમાં ચાલતા PG (પેઇંગ ગેસ્ટ) સામેની ફરિયાદના નિકાલ મામલે પશ્ચિમ ઝોનની એસ્ટેટ કચેરીમાં બોલાચાલી અને ઘર્ષણની ઘટના સામે આવી છે. NSUI અને યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ દોઢ મહિના જૂની ફરિયાદ અંગે રજૂઆત કરવા પહોંચ્યા હતા, ત્યારે આ ઘટના બની હોવાનું સામે આવ્યું છે.

NSUIના પ્રદેશ પ્રવક્તા હર્ષ સોનીએ આરોપ લગાવ્યો છે કે તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો. આ મામલે તેમણે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે. તેમના જણાવ્યા અનુસાર, નવરંગપુરા વિસ્તારના સ્થાનિકો અને વિદ્યાર્થીઓએ સોસાયટીઓમાં PG ચલાવવામાં આવતા હોવાની રજૂઆત કરી હતી. કેટલીક જગ્યાએ ઢાબા ઉપર પતરા મારીને પણ PG ચલાવવામાં આવતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. આ અંગે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી અને બાદમાં પશ્ચિમ ઝોનના ડેપ્યુટી TDO મહેશકુમાર તબિયાડને મળવા જણાવાયું હતું.

અગાઉ દોઢ મહિના પહેલાં સોસાયટીના નામ અને ઘર નંબર સહિતની વિગતો સાથે ડેપ્યુટી TDOને ફરિયાદ કરવામાં આવી હતી. તેમ છતાં કાર્યવાહી ન થતાં ગુરુવારે ફરીથી TDOની કચેરીએ જઈને PG સામે ક્યારે કાર્યવાહી કરવામાં આવશે તે અંગે રજૂઆત કરવામાં આવી હતી. રજૂઆત દરમિયાન યોગ્ય જવાબ ન મળતાં તેઓ કચેરીમાં જ બેસી ગયા હતા. ત્યારબાદ બોલાચાલી થઈ હતી અને કાર્યકર્તાઓ સાથે હાથાપાઈ કરવામાં આવી હોવાનો આક્ષેપ છે. આ દરમિયાન હર્ષ સોની પર પણ હુમલો કરવામાં આવ્યો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ઘટનાને પગલે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી છે.

બીજી તરફ, પશ્ચિમ ઝોનના ડેપ્યુટી TDO મહેશકુમાર તબિયાડે જણાવ્યું હતું કે, 'નવરંગપુરા વિસ્તારમાં એક કરતાં વધુ જગ્યાએ ચાલતા PG સામે કાર્યવાહી કરવા અરજદાર દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. આ રજૂઆતના આધારે વિભાગ દ્વારા સ્થળ તપાસ કરવામાં આવી હતી અને કાયદાની જોગવાઈ મુજબની નોટિસની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી છે. નોટિસમાં આપવામાં આવેલી સમયમર્યાદા પૂર્ણ થયા બાદ તેના અમલીકરણ અંગેની કાર્યવાહી કરવામાં સમય લાગે છે. ગુરુવારે અરજદાર સાંજે કચેરીએ આવ્યા હતા અને PGને આટલા સમયમાં સીલ કેમ કરવામાં આવ્યા નથી તે અંગે ઉગ્ર રજૂઆત કરી હતી.'

ડેપ્યુટી TDOએ વધુમાં આક્ષેપ કર્યો હતો કે, 'અરજદારે અન્ય વ્યક્તિઓને ફોન કરીને કચેરીમાં બોલાવ્યા હતા અને ટોળું ભેગું કર્યું હતું. કચેરીમાં ટેબલ ઉપર ફાઈલો પછાડી ધાકધમકી આપવામાં આવી હતી. આક્ષેપો બાદ તેને કચેરીમાંથી બહાર જવા જણાવવામાં આવ્યું હતું અને પોલીસ વિભાગને જાણ કરવામાં આવી હતી. આ અરજદાર અગાઉ પણ સ્ટાફને ધમકી આપી ગયા હતા.'

સમગ્ર ઘટનાને લઈને બંને પક્ષે એકબીજા સામે આક્ષેપો કર્યા છે. NSUI તરફથી પોલીસમાં અરજી કરીને ઘટનાની નિષ્પક્ષ તપાસ કરીને જવાબદાર સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. સાથે જ નવરંગપુરા વિસ્તારમાં PG અંગે દોઢ મહિના પહેલાં કરવામાં આવેલી મૂળ ફરિયાદનો નિયમ મુજબ નિકાલ કરવાની પણ માંગ કરવામાં આવી છે. હાલ સમગ્ર મામલે પોલીસ સમક્ષ અરજી કરવામાં આવી છે.