સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદ: મણિનગર પીએફ ઓફિસ અચાનક બંધ, અસારવા રેલવેમાં દિવ્યાંગ સુવિધા કેન્દ્ર પણ તાળા હેઠળ

અમદાવાદ: મણિનગર પીએફ ઓફિસ અચાનક બંધ, અસારવા રેલવેમાં દિવ્યાંગ સુવિધા કેન્દ્ર પણ તાળા હેઠળ

અમદાવાદના મણિનગરમાં રેલવે સ્ટેશન સામે આવેલા સત્યમ્ શિવમ્ સુંદરમ્ ટાવરમાં ચાલતી કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) ઓફિસ તાજેતરમાં અચાનક બંધ કરીને CTM ખાતે ખસેડવામાં આવી છે. કોઈ અગાઉથી જાહેરાત કે સૂચના આપ્યા વિના લેવાયેલા આ નિર્ણયને કારણે KYC અપડેટ કરાવવા તેમજ પીએફ સંબંધિત અન્ય કામ માટે આવેલા વૃદ્ધો અને દિવ્યાંગોને ધક્કા ખાવા પડ્યા હતા.

ઓફિસના લિફ્ટના દરવાજા પર માત્ર એક કાગળ લગાવવામાં આવ્યો છે, જેમાં લખ્યું છે કે 'પીએફ ઓફિસ ખાલી કરી છે, પીએફના કામ માટે અહીં આવવું નહીં.' નવી ઓફિસ ક્યાં અને કયા સરનામે શરૂ કરવામાં આવી છે તેની કોઈ વિગતો આ કાગળમાં જણાવવામાં આવી નથી. આ ઉપરાંત, નવી કચેરી વિશે માહિતી આપવા માટે ત્યાં કોઈ અધિકારી પણ હાજર નથી.

બીજી તરફ, અસારવા ચામુંડા બ્રિજ પાસે આવેલી રેલવેની ઓફિસમાં દિવ્યાંગ લોકો માટે મુસાફરી પાસ કાઢી આપવાની સુવિધા કેન્દ્ર પણ સતત બંધ રાખવામાં આવ્યું છે. અહીં પણ કોઈ અગાઉથી જાણ કે સૂચના આપવામાં આવી નથી. પાસ કઢાવવા માટે આવતા દિવ્યાંગોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ઓફિસ કેટલા સમય સુધી બંધ રહેશે તે અંગે પણ કોઈ સૂચના લગાવવામાં આવી નથી, અને ત્યાં હાજર સિક્યોરિટી સ્ટાફ પણ યોગ્ય જવાબ આપતો નથી.

દિવાળીની રજાઓ બાદ તમામ સરકારી ઓફિસો ચાલુ થઈ ગઈ છે, પરંતુ આ કચેરી હજી બંધ હાલતમાં છે. અધિકારીઓની આ બેદરકારી અને અણઘડ આયોજનને કારણે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.