સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદમાં દેશનું પહેલું CNG આધારિત પેટ ક્રેમેટોરિયમ, પાલતુ પ્રાણીઓને મળે છે માનભેર વિદાય

અમદાવાદમાં દેશનું પહેલું CNG આધારિત પેટ ક્રેમેટોરિયમ, પાલતુ પ્રાણીઓને મળે છે માનભેર વિદાય

અમદાવાદના બહેરામપુરામાં કોર્પોરેશન દ્વારા સંચાલિત દેશનું પહેલું CNG આધારિત પેટ ડૉગ અને પેટ કેટ ક્રેમેટોરિયમ શરૂ કરવામાં આવ્યું છે. આ ક્રેમેટોરિયમમાં પાલતુ પ્રાણીઓને માનભેર અંતિમ વિદાય આપવામાં આવે છે.

અગાઉ ઘણા પેટ પેરેન્ટ્સને રાત્રે અંધારામાં છૂપી રીતે પોતાના પાલતુ પ્રાણીને દફન કરવું પડતું હતું. મુંબઈમાં રહેતા રીનાના પરિવાર પાસે બે પાલતુ શ્વાન હતા. તેમના મૃત્યુ પછી સ્મશાનના એક ખૂણામાં દફનવિધિ કરવી પડી હતી. સ્મશાનવાળાએ ડરતાં ડરતાં કહ્યું હતું કે આ વાતની કોઈને ગંધ પણ ન આવવી જોઈએ.

આવી જ સ્થિતિમાંથી મુક્તિ માટે બહેરામપુરા ખાતે આ ક્રેમેટોરિયમ શરૂ કરાયું છે. અહીં પાલતુ શ્વાન કે બિલાડીના મૃત્યુ પછી તેને અબિલ, ગુલાલ, કંકુ, ચોખા ચઢાવી, ગંગાજળ અને ઘી છાંટી, ફૂલનો હાર પહેરાવી અંતિમ વિધિ કરવામાં આવે છે. આખી વિધિમાં અંદાજે ત્રણ કલાક લાગે છે. અંતે પરિવારને લાલ કપડામાં બાંધેલી કુલડીમાં અસ્થિ આપવામાં આવે છે.

ઉદયપુરથી આવેલો એક પરિવાર પોતાના પાલતુ શ્વાનને લઈને અમદાવાદ ફરવા આવ્યો હતો. પરિવારની મુખ્ય વ્યક્તિ વર્લ્ડ બેંકમાં કામ કરતી હતી. અચાનક તેમનો શ્વાન બીમાર પડી ગયો. અમદાવાદમાં અદ્યતન સારવાર આપવા છતાં ડૉક્ટર્સ તેને બચાવી શક્યા નહીં. પરિવાર તેને દાટીને અંતિમવિધિ કરવા માગતો નહોતો. ડૉક્ટરે તેમને બહેરામપુરા ક્રેમેટોરિયમની માહિતી આપી. પરિવાર તરત જ મૃત શ્વાનને લઈને ત્યાં ગયો. વિધિ પૂરી થયા પછી પરિવારને શ્વાનના અસ્થિ આપવામાં આવ્યા. કોર્પોરેશનની આ વ્યવસ્થાથી પરિવાર અભિભૂત થઈ ગયો.

અમદાવાદના સાઉથ બોપલમાં રહેતા રીના મિત્તલે જણાવ્યું કે તેમના ઘરની કમ્પાઉન્ડ વોલ પર એક માદા શ્વાન નિયમિત આવતી. રીનાએ તેનું નામ જીપ્લી પાડ્યું. ઉનાળામાં અસહ્ય ગરમી પડતાં મિત્તલ પરિવારે તેને ઘરમાં આશરો આપ્યો. ત્યારથી તે 9 વર્ષ સુધી પરિવાર સાથે રહી. જીપ્લી ખૂબ સમજદાર હતી. તેણે ક્યારેય ગુસ્સો કર્યો નથી કે કોઈને બચકું ભર્યું નથી. બે અઠવાડિયા પહેલાં તે બીમાર પડી. બ્લડ ટેસ્ટમાં ખબર પડી કે તેની કિડની ફેઇલ થઈ ગઈ છે. જીપ્લીએ 14 દિવસ સુધી પીડા સહન કરી. 27 ઓગસ્ટે તે ગુજરી ગઈ. પરિવાર તેને દફન કરવા માગતો નહોતો. ડૉક્ટરે ક્રેમેટોરિયમની માહિતી આપી. બપોરે 12 વાગ્યાની આસપાસ જીપ્લીને અંતિમ વિધિ માટે લાવવામાં આવી.

રીનાએ કહ્યું, 'અંતિમ ઘડીએ તેને જે સન્માન મળ્યું તે મળવું જ જોઈએ. જે સન્માનપૂર્વક વ્યક્તિ જાય છે તે જ સન્માનથી પાલતુ પ્રાણીઓ જાય તે જરૂરી છે. આ સ્મશાન દરેક જાનવરને યોગ્ય સન્માન આપે છે. દરેક જગ્યાએ આવાં અંતિમ ધામ હોવાં જોઈએ.'

થલતેજ વિસ્તારમાં રહેતા પાર્થ અમીને રોટવિલર બ્રીડનો શ્વાન પાળ્યો હતો, જેનું નામ ટાઇગર હતું. બાઇકની ટક્કર વાગતાં ટાઇગરનું મૃત્યુ થયું હતું.

સુરત, રાજકોટથી લઈને ઉદયપુર સુધીના પેટ પેરેન્ટ્સ પોતાના પ્રિય શ્વાન કે બિલાડીને પૂરતા માન-સન્માન સાથે અંતિમ વિદાય આપવા માટે ખાસ અમદાવાદ આવી રહ્યા છે. આ ક્રેમેટોરિયમમાં CNG આધારિત એસી સુવિધા છે, જે પર્યાવરણને પણ નુકસાન ન કરે તેવી રીતે કાર્યરત છે.