અમદાવાદના બહેરામપુરા વિસ્તારમાં આવેલા ડોગ ક્રેમેટોરિયમમાં છેલ્લા નવ મહિનામાં 600 પાલતુ શ્વાન, બિલાડી અને રખડતા શ્વાનના અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યા છે. માત્ર માણસો જ નહીં, પશુઓને પણ સન્માનજનક વિદાય મળવી જોઈએ તેવા આશયથી લોકો પોતાના બાળકની જેમ ઉછેરેલા શ્વાન અને બિલાડીને વિધિપૂર્વક વિદાય આપી રહ્યા છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાન્યુઆરીમાં બહેરામપુરામાં રાજ્યનું પ્રથમ ડોગ ક્રેમેટોરિયમ બનાવવામાં આવ્યું હતું. અહીં શ્વાનની અંતિમક્રિયા માટે લોકોને એપોઈન્ટમેન્ટ લેવી પડે છે કારણ કે વેટિંગ ચાલે છે. રાજકોટ, સુરત, ભાવનગર, મહેસાણા સહિત રાજ્યભરમાંથી તેમજ જયપુર અને ઉદયપુરથી પણ 8થી 10 કલાકની મુસાફરી કરીને પરિવારો પોતાના વ્હાલા શ્વાનના અંતિમ સંસ્કાર માટે અમદાવાદ આવે છે.
નવ મહિનામાં 547 પાલતુ શ્વાન અને બિલાડી તેમજ 53 રખડતા શ્વાન સહિત કુલ 600 પશુઓના સીએનજી ભઠ્ઠીમાં અગ્નિ સંસ્કાર કરાયા છે. માણસોની જેમ જ અંતિમક્રિયા પહેલાં શ્વાનને નવડાવવામાં આવે છે, શરીર પર ઘી લગાડવામાં આવે છે, ફૂલ ચઢાવીને કંકુ છાંટવામાં આવે છે અને રડતી આંખે તેમને વિદાય અપાય છે. એક શ્વાનની અંતિમક્રિયામાં ત્રણેક કલાકનો સમય લાગે છે. કેટલીક વખત એક જ દિવસમાં પાંચથી સાત શ્વાનની અંતિમક્રિયા માટે ફોન આવતા રીતસરની એપોઈન્ટમેન્ટ આપવી પડે છે.
આ સ્થિતિને પહોંચી વળવા મ્યુનિસિપલ કોર્પોરેશનના ન્યુસન્સ કંટ્રોલ ડિપાર્ટમેન્ટ દ્વારા 60 લાખ રૂપિયાના ખર્ચે શહેરમાં બે નવા ડોગ ક્રેમેટોરિયમ બનાવવાનું આયોજન કરાયું છે. જેમાંથી એક વસ્ત્રાલમાં અને બીજું પશ્ચિમ વિસ્તારમાં રિંગ રોડ નજીક તૈયાર કરાશે. સીએનસીડી વિભાગના વડા નરેશ રાજપૂત જણાવે છે કે, હાલનું ડોગ સ્મશાન માત્ર 30 લાખના ખર્ચે તૈયાર થઈ ગયું છે જેમાં તમામ વ્યવસ્થાઓ આવી ગઈ છે.
ફક્ત અગ્નિ સંસ્કારથી અંતિમ ક્રિયા પૂરી ગણાતી નથી. અસ્થિકુંભ નદીમાં પધરાવ્યા બાદ જ વિધિ સંપન્ન મનાય છે. ત્યારે માણસની જેમ જ અગ્નિ સંસ્કાર બાદ સ્મશાનમાં શ્વાન, બિલાડીની અસ્થિઓ કુંભમાં ભરી, ઉપર લાલ કપડું બાંધીને તેના પર નામ લખીને સાચવી રાખવામાં આવે છે. પેટ ઓનર્સ બીજા દિવસે તેમના અસ્થિકુંભ લઈને નદીમાં પધરાવી વિધિ પૂર્ણ કરે છે. થલતેજના યુવક શ્વાનની અસ્થિ લઈને હરિદ્વાર ગયા હતા, જ્યારે બીજા એક મહિલા શ્વાનના અસ્થિકુંભ તેમના વતન કલકત્તા લઈ ગયા હતા. કેટલાક પેટ ઓનર અસ્થિ વિસર્જન માટે ખાસ ચાણોદ જાય છે.