ગુજરાત એન્ટી-ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS)એ અમદાવાદમાં પાસપોર્ટ કૌભાંડના એક ગંભીર કેસમાં મની લોન્ડરિંગ આરોપી હરિકેશ પ્રણવ પટેલની ધરપકડ કરી છે. આરોપી પર નકલી દસ્તાવેજોના આધારે નવો પાસપોર્ટ મેળવીને આંતરરાષ્ટ્રીય મુસાફરી કરવાનો આરોપ છે.
ATSના જણાવ્યા અનુસાર, 2022-23માં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના કેસમાં હરિકેશ પટેલે તેનો મૂળ પાસપોર્ટ કોર્ટમાં જમા કરાવ્યો હતો. એટલે તેને નવો પાસપોર્ટ મેળવવાની મંજૂરી ન હતી. પણ આરોપીએ આ આદેશનો ભંગ કરીને નવો પાસપોર્ટ બનાવવાની પ્રક્રિયા શરૂ કરી હતી.
તપાસમાં જાણવા મળ્યું છે કે હરિકેશ પટેલે દિલ્હીમાં એક એજન્ટનો સંપર્ક કર્યો હતો. તેના માટે દુબઈમાં રહેતા મિત્ર દ્વારા 25 લાખ રૂપિયાની શરૂઆતની ચુકવણી કરવામાં આવી હતી. નવા પાસપોર્ટ માટે તેણે ખોટા દસ્તાવેજો તૈયાર કરાવ્યા હતા. જેમાં આગ્રામાં રહેતો હોવાનો નકલી ભાડા કરાર (રેન્ટલ એગ્રીમેન્ટ) સામેલ હતો. ઉપરાંત, દિલ્હીના એક પોલીસ સ્ટેશનમાં પોતાનો જૂનો પાસપોર્ટ ખોવાઈ ગયાની ખોટી ફરિયાદ નોંધાવીને તેનો રિપોર્ટ પણ મેળવ્યો હતો. આ ખોટા રિપોર્ટ અને નકલી ભાડા કરારના આધારે તેણે ગાઝિયાબાદની પ્રાદેશિક પાસપોર્ટ કચેરી (RPO)માંથી 2024માં નવો પાસપોર્ટ મેળવ્યો હતો.
આ નકલી પાસપોર્ટનો ઉપયોગ કરીને હરિકેશ પટેલે ભૂતાન અને નેપાળ જેવા દેશોમાં પણ મુસાફરી કરી હતી. ATSની ટીમે ગુપ્ત માહિતીના આધારે તપાસ કરીને ગત શનિવારે સાયન્સ સિટી, અમદાવાદ ખાતેથી તેની ધરપકડ કરી હતી.
ATSએ વધુમાં જણાવ્યું કે હરિકેશ પટેલ ટેવાયેલો ગુનેગાર છે. તે અગાઉ બે કેસમાં આરોપી રહી ચૂક્યો છે અને જેલવાસ પણ ભોગવ્યો છે. 2022માં નારણપુરા પોલીસ સ્ટેશનમાં તેની સામે ભારતીય દંડ સંહિતાની કલમ 406 અને 420 (વિશ્વાસઘાત અને છેતરપિંડી) હેઠળ ગુનો નોંધાયો હતો. તે જ રીતે, 2023માં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં પણ તેની સામે છેતરપિંડીનો એક કેસ દાખલ થયો હતો.
આ સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે. આ ષડયંત્રમાં સામેલ અન્ય આરોપીઓને પકડવા માટે પણ ATS દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.