સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદમાં પાર્કિંગ મોંઘું: ડિસેમ્બરથી નવા દર લાગુ, ટુ-વ્હીલરનો પહેલો કલાક 10 રૂપિયા

અમદાવાદમાં પાર્કિંગ મોંઘું: ડિસેમ્બરથી નવા દર લાગુ, ટુ-વ્હીલરનો પહેલો કલાક 10 રૂપિયા

અમદાવાદમાં 11 વર્ષ બાદ પાર્કિંગના દરમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ગુરુવારે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં પાર્કિંગ દર સુધારવાની દરખાસ્તને થોડા સુધારા સાથે મંજૂરી આપવામાં આવી હતી. નવા દર ડિસેમ્બરની શરૂઆતથી અમલમાં આવશે. મહત્વનું છે કે હવે દર ત્રણ વર્ષે પાર્કિંગના દરની સમીક્ષા કરવામાં આવશે, જેથી સમયાંતરે દરમાં વધારો કે ઘટાડો કરી શકાય.

નવી વ્યવસ્થા અંતર્ગત ટુ-વ્હીલરના પ્રથમ કલાકના પાર્કિંગ ચાર્જમાં બમણો વધારો કરવામાં આવ્યો છે. પહેલા 5 રૂપિયા હતા, હવે 10 રૂપિયા થશે. જોકે, કમિશનરે સૂચવેલા અન્ય સમયગાળાના દરમાં કમિટીએ ઘટાડો કર્યો છે. નવા દર મુજબ ટુ-વ્હીલર માટે 1થી 3 કલાક માટે 15 રૂપિયા (પહેલા 20), 3થી 6 કલાક માટે 25 રૂપિયા (પહેલા 35), 6થી 12 કલાક માટે 40 રૂપિયા (પહેલા 50) અને 12થી 24 કલાક માટે 55 રૂપિયા (પહેલા 70) નક્કી કરવામાં આવ્યા છે.

આ જ રીતે ફોર-વ્હીલર, મીડિયમ કોમર્શિયલ વ્હીકલ અને હેવી કોમર્શિયલ વ્હીકલમાં પણ ભાવ વધારો કરવામાં આવ્યો છે. વધુમાં, આ વખતે બે નવી કેટેગરી ઉમેરવામાં આવી છે — 3 વ્હીલર અને લાઇટ કોમર્શિયલ વ્હીકલ, જે પહેલી વાર પાર્કિંગ દરના દાયરામાં આવ્યા છે.

સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને જણાવ્યું કે, શહેરમાં પાર્કિંગ વ્યવસ્થાને વધુ સુવ્યવસ્થિત બનાવવા અને દરમાં એકસૂત્રતા જળવાઈ રહે તે માટે લાયસન્સ ફી તથા દરના પુનઃનિર્ધારણ અંગે ચર્ચા કરવામાં આવી હતી. હાલમાં ઓફસ્ટ્રીટ અને ઓનસ્ટ્રીટ પાર્કિંગ તથા વધુ ગીચતા ધરાવતા વિસ્તારોમાં અલગ-અલગ દરો છે. નવી વ્યવસ્થામાં આ તમામ જગ્યાઓએ એકસમાન દર નક્કી કરવામાં આવ્યા છે.

જૂના કોન્ટ્રાક્ટરોને પણ નવા દર લાગુ કરવા સમજાવાશે. ચેરમેને જણાવ્યું કે, કેટલીક પાર્કિંગ જગ્યાઓના કોન્ટ્રાક્ટ અગાઉના દરે ચાલુ છે. જો માત્ર નવી જગ્યાઓ પર નવા દર લાગુ કરવામાં આવે તો પડોશની બે પાર્કિંગમાં અલગ-અલગ દર વસૂલાય તેવી સ્થિતિ ઊભી થઈ શકે છે, જેથી નાગરિકોને અસુવિધા થાય. આ ટાળવા માટે હાલના કોન્ટ્રાક્ટરો સાથે ચર્ચા કરીને લાયસન્સ ફીમાં વધારો કરવામાં આવશે. જે કોન્ટ્રાક્ટની મુદત પૂરી થવામાં એક મહિનો કે એક વર્ષ બાકી હોય તેવા કિસ્સામાં બાકીના સમયગાળાને ધ્યાનમાં રાખીને પ્રોરેટા પદ્ધતિથી નવી લાયસન્સ ફી નક્કી કરવામાં આવશે.