અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરમાં પાર્કિંગ ચાર્જમાં મોટા ફેરફારની તૈયારી કરવામાં આવી છે. હાલ 2015-16માં નક્કી કરાયેલા દરો લાગુ છે, પરંતુ નવા પ્રસ્તાવમાં પાર્કિંગના પ્રકાર, ઝોન અને ટ્રાફિકની ગીચતાના આધારે અલગ-અલગ દર નક્કી કરવામાં આવ્યા છે. આ દરખાસ્ત મંજૂર થયા બાદ નવા દરો લાગુ પડશે.
નવા દર મુજબ, મલ્ટિલેવલ અને ઓફ-સ્ટ્રીટ પાર્કિંગમાં ટુ-વ્હીલરનો એક કલાકનો ચાર્જ હાલના ₹5 થી વધારીને ₹10 કરવાનો પ્રસ્તાવ છે, જ્યારે હાઈ ડેન્સિટી ટ્રાફિક ડિમાન્ડવાળા વિસ્તારોમાં તે ₹20 સુધી થઈ શકે છે. કાર માટે હાલનો એક કલાકનો ચાર્જ ₹15 છે, જે નવા પ્રસ્તાવમાં પાર્કિંગના સ્થળ પ્રમાણે ₹20 થી ₹40 થઈ શકે છે. આમ, પાર્કિંગ ચાર્જ ચાર ગણા સુધી વધારવાની તૈયારી છે.
હાલના દરોમાં ટુ-વ્હીલર માટે કલાકના ₹5, કાર માટે ₹15, મિડિયમ કોમર્શિયલ વાહન માટે ₹50 અને હેવી કોમર્શિયલ વાહન માટે ₹75 ફિક્સ વસૂલવામાં આવે છે. નવા પ્રસ્તાવમાં મલ્ટિલેવલ અને ઓફ-સ્ટ્રીટ પાર્કિંગમાં આ દર ટુ-વ્હીલર માટે ₹10, ₹20, ₹70 અને ₹100 રાખવામાં આવ્યા છે. જ્યારે સામાન્ય ઓન-સ્ટ્રીટ અને અંડરબ્રિજ પાર્કિંગમાં મધ્ય, ઉત્તર પશ્ચિમ, દક્ષિણ પશ્ચિમ અને પશ્ચિમ ઝોન માટે ટુ-વ્હીલરના ₹15 અને કારના ₹30 સૂચવાયા છે. પૂર્વ, ઉત્તર અને દક્ષિણ ઝોનમાં આ જ વાહનો માટે અનુક્રમે ₹10 અને ₹20 નો દર પ્રસ્તાવિત છે.
હાઈ ડેન્સિટી ટ્રાફિક ડિમાન્ડવાળા વિસ્તારોમાં સૌથી વધુ ચાર્જ સૂચવાયો છે. અહીં એક કલાક માટે ટુ-વ્હીલરના ₹20 અને કારના ₹40 વસૂલવાનો પ્રસ્તાવ છે. આ જ વિસ્તારમાં 1થી 3 કલાક માટે ટુ-વ્હીલરના ₹40 અને કારના ₹80, 3થી 6 કલાક માટે અનુક્રમે ₹60 અને ₹120, 6થી 12 કલાક માટે ₹80 અને ₹160 તથા 12થી 24 કલાક માટે ₹100 અને ₹250 નો દર રાખવામાં આવ્યો છે.
મલ્ટિલેવલ અને ઓફ-સ્ટ્રીટ પાર્કિંગમાં 1થી 3 કલાક માટે ટુ-વ્હીલરના ₹20 અને કારના ₹40, 3થી 6 કલાક માટે ₹35 અને ₹80, 6થી 12 કલાક માટે ₹50 અને ₹120 તથા 12થી 24 કલાક માટે ₹70 અને ₹170 સૂચવાયા છે. સામાન્ય ઓન-સ્ટ્રીટ અને અંડરબ્રિજ પાર્કિંગમાં મધ્ય, ઉત્તર પશ્ચિમ, દક્ષિણ પશ્ચિમ અને પશ્ચિમ ઝોન માટે આ જ સમયગાળામાં ટુ-વ્હીલરના દર ₹30, ₹45, ₹60 અને ₹80 તથા કારના દર ₹60, ₹100, ₹140 અને ₹200 રહેશે. પૂર્વ, ઉત્તર અને દક્ષિણ ઝોનમાં ટુ-વ્હીલરના દર ₹20, ₹35, ₹50 અને ₹70 તથા કારના દર ₹40, ₹80, ₹120 અને ₹170 સૂચવાયા છે.
નવી દરખાસ્તમાં થ્રી-વ્હીલર અને લાઇટ કોમર્શિયલ વાહનો માટે પણ અલગ ચાર્જ સૂચવાયા છે. હાલના દરમાં આ બંને પ્રકારનાં વાહનો માટે અલગ ચાર્જ વસૂલાતો નથી; થ્રી-વ્હીલર માટે ફોર-વ્હીલરનો દર અને લાઇટ કોમર્શિયલ માટે મિડિયમ કોમર્શિયલ વાહનનો દર લેવાય છે. હવે મલ્ટિલેવલ અને ઓફ-સ્ટ્રીટ પાર્કિંગમાં થ્રી-વ્હીલર માટે એક કલાકના ₹15 અને લાઇટ કોમર્શિયલ વાહન માટે ₹50 નક્કી કરાયા છે. સામાન્ય ઓન-સ્ટ્રીટ પાર્કિંગમાં ઝોન પ્રમાણે થ્રી-વ્હીલર માટે ₹20થી ₹30 અને લાઇટ કોમર્શિયલ વાહન માટે ₹50થી ₹60 નો દર સૂચવાયો છે. હાઈ ડેન્સિટી વિસ્તારમાં આ બંને વાહનો માટે એક કલાકના અનુક્રમે ₹30 અને ₹60 નો ચાર્જ રાખવાની દરખાસ્ત છે.