અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા સંચાલિત પે એન્ડ પાર્ક અને રોડ પરના પાર્કિંગના દરમાં વધારો કરવામાં આવ્યો છે. ટાઉન પ્લાનિંગ કમિટીએ ટુ-વ્હીલર, થ્રી-વ્હીલર, ફોર-વ્હીલર તથા મધ્યમ અને ભારે વાહનોના પાર્કિંગ ચાર્જ વધારવાની દરખાસ્તને મંજૂરી આપી છે.
નવા દર મુજબ, ટુ-વ્હીલરના પ્રથમ કલાક માટે હવે 5 રૂપિયાના બદલે 10 રૂપિયા ચૂકવવા પડશે. ફોર-વ્હીલરના પ્રથમ કલાકનો ચાર્જ 15 રૂપિયાથી વધારીને 20 રૂપિયા કરવામાં આવ્યો છે. આ નવા દરો ડિસેમ્બરમાં લાગુ થવાની શક્યતા છે.
ટાઉન પ્લાનિંગ કમિટીની મંજૂરી બાદ આ દરખાસ્ત હવે સ્ટેન્ડિંગ કમિટી અને સામાન્ય સભા સમક્ષ રજૂ થશે. ત્યાંથી મંજૂરી મળ્યા બાદ નવા દરો અમલમાં આવશે.
ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેને જણાવ્યું કે, મ્યુનિસિપલ કમિશનરે પાર્કિંગ ચાર્જ વધારવા માટે દરખાસ્ત મૂકી હતી. કમિશનરે સૂચવેલા દરોમાં કેટલાક ફેરફાર કરીને કમિટીએ નવા દરોને મંજૂરી આપી છે. આ દરો ઓન-રોડ અને ઓફ-રોડ પાર્કિંગ, મલ્ટીલેવલ પાર્કિંગ સહિત કોર્પોરેશન સંચાલિત પાર્કિંગ સ્થળોએ લાગુ થશે.
ટુ-વ્હીલર માટેના નવા દરો આ પ્રમાણે છે: પ્રથમ કલાક 10 રૂપિયા, એકથી ત્રણ કલાક 15 રૂપિયા, ત્રણથી છ કલાક 25 રૂપિયા, છથી 12 કલાક 40 રૂપિયા અને 12થી 24 કલાક 55 રૂપિયા.
ફોર-વ્હીલર માટે પ્રથમ કલાક 20 રૂપિયા, એકથી બે કલાક 40 રૂપિયા, ત્રણથી છ કલાક 80 રૂપિયા, છથી 12 કલાક 120 રૂપિયા અને 12થી 24 કલાક 170 રૂપિયા ચૂકવવાના રહેશે.