અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પાસે આવેલી કે. મંગીલાલ પાર્સલ સર્વિસમાંથી 7 સપ્ટેમ્બરે થયેલી 45.29 લાખની ચોરીનો પોલીસે પર્દાફાશ કર્યો છે. પેઢીમાં નોકરી કરતા બે સગા ભાઈઓની ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લાના હસનપુરા ગામથી 11 ઓક્ટોબરે ધરપકડ કરવામાં આવી છે.
આરોપીઓ યશવીર રામાવતાર પરમાર (23) અને દલવીર રામાવતાર પરમાર (32) ઘટના સમયે પેઢીમાં ડ્યુટી પર હાજર હતા. બપોરે 3 થી 4:45 વાગ્યા દરમિયાન ઓફિસના ટેબલના કમ્પાર્ટમેન્ટમાંથી રોકડ ગાયબ થઈ ગઈ હતી. જેમાં પંચકુવાના એક વેપારી પાસેથી ખાસ એકત્ર કરવામાં આવેલા 5 લાખ રૂપિયા પણ સામેલ હતા. મણિનગરમાં રહેતા માધારામ લીચનરામ શર્માએ આ અંગે કાલુપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
ભારતીય ન્યાય સંહિતા હેઠળ ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરાઈ હતી. ઝોન-3 એલસીબીની ટીમે ટેક્નિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી આરોપીઓને આગ્રા જિલ્લાના તેમના વતન હસનપુરા ખાતે દબોચી લીધા. પોલીસે આરોપીઓ પાસેથી 1.8 લાખ રોકડ અને 1.52 લાખની કિંમતના ત્રણ મોબાઈલ ફોન સહિત કુલ 3.32 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
પોલીસ હવે બાકીની રકમ ક્યાં છુપાવવામાં આવી અથવા તેનો ઉપયોગ ક્યાં થયો તે અંગે વધુ તપાસ કરી રહી છે.