સત્ય. સાહસ. સંકલ્પ.

પરંપરા ગરબા હવે AC ડોમને બદલે ખુલ્લા મેદાનમાં, બીજા નોરતાથી શરૂઆત

પરંપરા ગરબા હવે AC ડોમને બદલે ખુલ્લા મેદાનમાં, બીજા નોરતાથી શરૂઆત

અમદાવાદમાં પરંપરા ગ્રુપ દ્વારા આયોજિત ગરબા મહોત્સવના સ્થળ અને સમયપત્રકમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. છેલ્લા કેટલાક વર્ષોથી AC ડોમમાં યોજાતા આ ગરબા હવે ખુલ્લા મેદાનમાં યોજાશે. સાથે જ ગરબા અગાઉના આયોજનને બદલે બીજા નોરતાથી શરૂ થશે. જાણીતા લોકગાયક કિર્તીદાન ગઢવીએ પોતાના સોશિયલ મીડિયા પર આ માહિતી શેર કરી છે.

ઉલ્લેખનીય છે કે શુક્રવારની સાંજે ગરબાના AC ડોમનો એક ભાગ અચાનક તૂટી પડ્યો હતો. આ ઘટના બાદ ખેલૈયાઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પરંપરા ગ્રુપે તાત્કાલિક ધોરણે ખુલ્લા મેદાનમાં ગરબા યોજવાનો નિર્ણય લીધો છે.

અમદાવાદના SP રિંગ રોડ પર આવેલા પરંપરા ગરબાના સ્થળે ડોમનો એક ભાગ શુક્રવારે ધરાશાયી થયો હતો. નવરાત્રિ દરમિયાન અહીં લોકગાયક કિર્તીદાન ગઢવી ગરબા માટે આવવાના હતા. જોકે ડોમનું કામ ચાલી રહ્યું હતું ત્યારે આ ઘટના બની હતી. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. સદનસીબે ડોમની અંદર કોઈ વ્યક્તિ ફસાઈ ન હતી, જ્યારે એક વ્યક્તિને સામાન્ય ઈજા થઈ છે.

સૌથી મહત્ત્વની વાત એ છે કે ડોમને ફાયર સેફ્ટીની મંજૂરી મળી જ નહોતી. ફાયર ઓફિસર વિષ્ણુ દેસાઈના જણાવ્યા અનુસાર, ટેમ્પરરી સ્ટ્રક્ચર માટે ઓનલાઈન અરજી કરવામાં આવી હતી, પરંતુ સ્થળ પર તપાસ દરમિયાન કામ પૂર્ણ ન થયું હોવાથી મંજૂરી આપવામાં આવી ન હતી. કામ પૂર્ણ થયા બાદ જ ફાયર સેફ્ટી સર્ટિફિકેટ આપી શકાય તેમ હતું. પ્રાથમિક તપાસમાં ડોમના પાયા જમીનમાં યોગ્ય ઊંડાઈ સુધી ઉતારવામાં આવ્યા ન હોવાનું જણાઈ રહ્યું છે. જોકે ડોમ ધરાશાયી થવાનું ચોક્કસ કારણ તપાસ બાદ સ્પષ્ટ થશે.

નોંધનિય છે કે ખેલૈયાઓ નવરાત્રિની આતુરતાથી રાહ જોતા હોય છે, એવામાં ડોમ ધરાશાયી થવાની ઘટનાથી તેમને આંચકો લાગ્યો હતો.