સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદના પાન પાર્લર માલિકે યુવકનો કાન કરડી ખાધો, રોડ ઝઘડાનો વીડિયો વાઈરલ

અમદાવાદના પાન પાર્લર માલિકે યુવકનો કાન કરડી ખાધો, રોડ ઝઘડાનો વીડિયો વાઈરલ

ગાંધીનગરના કલોલ તાલુકાના સનાવડ ગામે 16 ઓક્ટોબરની રાત્રે નવરાત્રિના ગરબા બાદ એક ગંભીર ઘટના સામે આવી છે. અમદાવાદના બોપલ ખાતે આવેલા 'રિચી રીચ' પાન પાર્લરના માલિક ભાવિક ગજ્જરે રોડ ક્રોસ કરવાની વાતને લઈને 24 વર્ષીય યુવક પર હુમલો કર્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે.

પોલીસ સૂત્રો અનુસાર, અમદાવાદના સોલા ખાતે રહેતો અને સ્ટોક માર્કેટ સાથે સંકળાયેલો તનીષ હરેશકુમાર પટેલ પોતાના પરિવાર અને મિત્રો સાથે સનાવડ ગામે યોજાયેલા 'ફોક રાસ' ગરબામાં ગયો હતો. ગરબા પૂર્ણ થયા બાદ રાત્રે અઢી વાગ્યાના અરસામાં તે પાર્ટી પ્લોટના મુખ્ય ગેટ બહાર આવ્યો હતો. તે સમયે એક કાળા રંગની નંબર પ્લેટ વગરની કાર યુ-ટર્ન લઈ રહી હતી, જેથી તેણે રોડ ક્રોસ કરવા માટે હાથથી ઈશારો કરીને કાર ઊભી રાખવા જણાવ્યું હતું.

જોકે, કાર ચાલકે કાર રોકવાને બદલે તનીષ પટેલની નજીક લાવીને ઊભી રાખી હતી. કારમાં ડ્રાઈવરની બાજુની સીટ પર બેઠેલો ભાવિક ગજ્જર નીચે ઉતર્યો અને તનીષ સાથે ગાળાગાળી કરવા લાગ્યો હતો. તનીષે રોડ ક્રોસ કરવા માટે ઈશારો કર્યો હોવાનું જણાવતાં જ ભાવિક ગજ્જરે ઉશ્કેરાઈને તેને ધક્કો માર્યો હતો અને પોતાના ખિસ્સામાંથી લોખંડનો પંચ કાઢીને હુમલો કર્યો હતો.

આરોપી ભાવિક ગજ્જરે તનીષ પટેલના ડાબી આંખની નીચે ગાલ પર લોખંડના પંચથી પ્રહાર કરતાં લોહી વહેવા લાગ્યું હતું. ત્યારબાદ નાક પર બીજો પંચ માર્યો હતો અને ચહેરા પર ફેંટો મારીને બરડાના ભાગે બે-ત્રણ જગ્યાએ દાંત વડે બચકાં ભરી લીધા હતા. આટલું જ નહીં, આરોપીએ તનીષની ગરદન દબાવીને જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો અને જમણા કાનની બૂટ પર જોરથી બચકું ભરી લેતાં કાનની બૂટ કપાઈ ગઈ હતી.

આ જોઈને તનીષના મિત્રો સિદ બ્રહ્મભટ્ટ, સ્પર્શ પટેલ અને નિર્મય શાહ દોડી આવ્યા હતા અને વચ્ચે પડીને તનીષને વધુ મારમાંથી બચાવ્યો હતો. મિત્રોએ આરોપીને વારવાનો પ્રયત્ન કરતાં જ ભાવિક ગજ્જર કાળા રંગની મર્સીડીઝ કારમાં બેસીને સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.

ગંભીર રીતે ઘવાયેલા તનીષ પટેલને તેમની મિત્ર રાધવી ભટ્ટ દ્વારા એમ્બ્યુલન્સ મારફતે સોલા ખાતેની સિમ્સ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં એક્સ-રે રિપોર્ટમાં નાકમાં ફ્રેક્ચર, આંખ નીચે ગંભીર સોજો અને કાનની બૂટ કપાઈ જવાથી કાયમી ખોડ જેવી ઇજાઓ પહોંચી હોવાનું નિદાન થયું હતું.

આ બનાવ અંગે ફરિયાદી તનીષ હરેશકુમાર પટેલની ફરિયાદના આધારે સાંતેજ પોલીસ સ્ટેશનમાં આરોપી ભાવિક ગજ્જર (માલિક, રિચી રીચ પાન પાર્લર, બોપલ, અમદાવાદ) વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે અને તેની ધરપકડ માટે તજવીજ શરૂ કરવામાં આવી છે.