સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદના પાલડીમાં સ્પા સેન્ટરમાં આગ, ધુમાડામાં ફસાયેલા 4 લોકોનું રેસ્ક્યૂ

અમદાવાદના પાલડીમાં સ્પા સેન્ટરમાં આગ, ધુમાડામાં ફસાયેલા 4 લોકોનું રેસ્ક્યૂ

અમદાવાદના પાલડી વિસ્તારમાં કોચરબ આશ્રમ નજીક કોઠાવાલા ફ્લેટ પાસે આવેલા સ્પા સેન્ટરમાં આગ લાગી હતી. આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

ફાયર વિભાગના જણાવ્યા અનુસાર, સ્પા સેન્ટરમાં આગ લાગતાં અંદર ધુમાડો ભરાઈ ગયો હતો, જેના કારણે અંદર રહેલા લોકો ફસાઈ ગયા હતા. ઘટના સમયે સ્પામાં ચાર લોકો ફસાયા હોવાની માહિતી મળતાં જ ફાયર ટીમે તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી હતી.

ફાયર ટીમે અંદર ફસાયેલી ત્રણ મહિલાઓ અને એક પુરુષ, એમ કુલ ચાર લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા, જેથી મોટી દુર્ઘટના ટળી ગઈ હતી.

ઘટનાસ્થળે ફાયર વિભાગની 7થી 8 ગાડીઓ પહોંચી હતી. ફાયર કર્મચારીઓએ પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો અને ત્યાર બાદ કૂલિંગની કામગીરી હાથ ધરી હતી.

આગ કયા કારણોસર લાગી તે અંગે હાલ સ્પષ્ટતા થઈ નથી. ફાયર વિભાગ ઘટનાની તપાસ કરી રહ્યું છે.