સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદના પાલડીમાં ફેક્ટરી માલિકના બંધ મકાનમાં 17.84 લાખની ચોરી, દુબઇ ગયેલા પરિવારને પરત ફરતા તાળાં તૂટેલા મળ્યા

અમદાવાદના પાલડીમાં ફેક્ટરી માલિકના બંધ મકાનમાં 17.84 લાખની ચોરી, દુબઇ ગયેલા પરિવારને પરત ફરતા તાળાં તૂટેલા મળ્યા

અમદાવાદના પાલડી વિસ્તારમાં રહેતા અને ફેક્ટરી ચલાવતા તૃષિત રમેશભાઈ જાનીના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવીને કુલ રૂપિયા 17.84 લાખની ચોરી કરી હોવાની ઘટના સામે આવી છે. પરિવાર 9 ઓક્ટોબરથી 15 ઓક્ટોબર દરમિયાન દુબઇ ફરવા ગયો હતો, તે સમયગાળામાં આ ચોરી થઈ હતી.

પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, તૃષિતભાઈ 9 ઓક્ટોબરે બપોરે પરિવાર સાથે ઘરને તાળું મારીને દુબઇ ગયા હતા. 15 ઓક્ટોબરે સવારે પરત ફર્યા ત્યારે ઘરનો દરવાજો અને તાળાં તૂટેલા મળ્યા હતા. ઘરમાં પ્રવેશ કરીને તપાસ કરતા પહેલા માળે આવેલા તેમના અને તેમના નાના ભાઈ રૂષિતના બેડરૂમના દરવાજા તથા અંદરના લાકડાના કબાટના તાળાં પણ તૂટેલા હતા. બંને રૂમમાં સામાન વેરવિખેર પડેલો હતો અને કબાટમાં રહેલા ગોદરેજ કંપનીના લોકર પણ તોડી નાખવામાં આવ્યા હતા.

ચોરાયેલા મુદ્દામાલમાં આશરે 128 ગ્રામ વજનના રૂપિયા 6,40,000ની કિંમતના સોનાના દાગીના, 1 કિલો 300 ગ્રામ વજનના રૂપિયા 1,04,000ની કિંમતના ચાંદીના દાગીના અને સિક્કા, રૂપિયા 10,00,000ની રોકડ રકમ તેમજ રૂપિયા 40,000ની કિંમતના ડીવીઆર અને આઇપેડનો સમાવેશ થાય છે. આમ, અજાણ્યા શખ્સોએ ઘરમાં ઘૂસીને કુલ રૂપિયા 17,84,000ની ચોરી કરી હોવાની ફરિયાદ પાલડી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. પોલીસ આ મામલે તપાસ શરૂ કરી છે.