અમદાવાદમાં શનિવારે બપોર પછી પીપળજ રોડ પર 9 વર્ષની બાળકી ખુલ્લી ગટરમાં પડી ગઈ હતી. ઘટનાને 24 કલાકથી વધુ સમય થઈ ગયો છે, તો પણ બાળકીની કોઈ ભાળ મળી નથી. આ ઘટના બાદ TV9એ શહેરના વિવિધ વિસ્તારોમાં ખુલ્લી ગટરો અંગે રિયાલિટી ચેક કર્યું હતું. જેમાં ઠેકઠેકાણે ગટરોના ઢાંકણા ખુલ્લા અને તૂટેલી હાલતમાં જોવા મળ્યા હતા.
TV9ના અહેવાલ પ્રસારિત થયા બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)નું તંત્ર સક્રિય થયું છે અને ખુલ્લી ગટરોના ઢાંકણા બંધ કરવાની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરી છે. જો કે, આ પહેલા પણ અમદાવાદમાં ખુલ્લી ગટરમાં પડી જવાથી ત્રણ લોકોના મોત થઈ ચૂક્યા છે, તેમ છતાં તંત્ર દ્વારા કોઈ પાઠ શીખવામાં આવ્યો ન હતો.
TV9ના રિયાલિટી ચેક દરમિયાન ડમ્પિંગ સાઇટથી લઈને પીપળજ ગામ તરફના રસ્તે અનેક ગટરોની ચેમ્બર ખુલ્લી જોવા મળી હતી. આ ઉપરાંત વેજલપુર, જીવરાજ પાર્ક સોસાયટી, વટવા, મણિનગર, ચાંદલોડિયા, ગોતા અને ઘાટલોડિયા જેવા વિસ્તારોમાં પણ ગટરોના ઢાંકણ તૂટેલી સ્થિતિમાં જોવા મળ્યા હતા.
અગાઉ અમદાવાદના કુબેરનગર અને ઓઢવ વિસ્તારમાં ખુલ્લી ગટરમાં પડી જવાથી બે લોકોના મોત થયા હતા. તે સમયે પણ AMCએ કોઈ નક્કર પગલાં લીધાં ન હતાં, જેના કારણે વધુ એક માસૂમનો ભોગ લેવાયો છે. સ્થાનિક લોકોમાં તંત્રની બેદરકારી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.
ચોમાસા બાદ પણ અનેક જગ્યાએ ગટરોના ઢાંકણા ખુલ્લા પડ્યા છે. વરસાદ પૂરો થઈ ગયા પછી પણ તંત્ર દ્વારા આ ઢાંકણા બંધ કરવાની તસ્દી લેવાઈ નથી. આથી પ્રશ્ન થાય છે કે દુર્ઘટના ઘટ્યા પછી જ જાગવાની આદતમાંથી તંત્ર ક્યારે બહાર આવશે?