અમદાવાદના દરિયાપુરમાં રહેતી અને એક પ્રાઇવેટ બેંકમાં લોન ડિપાર્ટમેન્ટમાં નોકરી કરતી 29 વર્ષીય યુવતી સાથે 81,000 રૂપિયાની સાયબર છેતરપિંડી થઈ છે. યુવતીએ ઇન્સ્ટાગ્રામ પરથી હેર રિમુવર મશીન ઓર્ડર કર્યું હતું, પરંતુ પાર્સલમાં બેટરી નીકળતા તેણે ઓનલાઈન કસ્ટમર કેરનો સંપર્ક કર્યો. આ પછી ઠગે વોટ્સએપ વીડિયો કોલ પર સ્ક્રીન શેર કરાવી અને Customer.in APK નામની એપ્લિકેશન ઇન્સ્ટોલ કરાવી. બાદમાં મોબાઈલ હેક કરીને બે અલગ-અલગ બેંક ખાતામાંથી કુલ 81,000 રૂપિયા ટ્રાન્સફર કરી લીધા.
ઘટનાની વિગત મુજબ, ગત 15 સપ્ટેમ્બરે રાત્રે યુવતીએ ઇન્સ્ટાગ્રામ પર હેર રિમુવર મશીનની રીલ જોઈ અને તેના ડિસ્ક્રિપ્શનમાંથી કેશ ઓન ડિલિવરી દ્વારા ઓર્ડર કર્યો. 18 સપ્ટેમ્બરે પાર્સલ ઘરે પહોંચતા તેણે રોકડા ચૂકવ્યા, પણ બોક્સ ખોલતાં તેમાં મશીનને બદલે બેટરી નીકળી. ડિલિવરી બોયને ફોન કરતાં તેમણે ઓર્ડર કરેલી સાઇટ પરથી રિપ્લેસમેન્ટ કરાવવા જણાવ્યું. ત્યારબાદ 19 સપ્ટેમ્બરે યુવતીએ બોક્સ પર લખેલા શોપિફાય કસ્ટમર કેર નંબર પર સંપર્ક કર્યો, જ્યાંથી તેને એક વોટ્સએપ નંબર આપવામાં આવ્યો.
ઠગે વોટ્સએપ પર વીડિયો કોલ કરીને પોતાનું નામ સુમિત પરમાર હોવાનું જણાવ્યું અને યુવતીને સ્ક્રીન શેર કરવા કહ્યું. આ દરમિયાન તેમણે Customer.in APK ફાઇલની લિંક મોકલી અને તેને ઇન્સ્ટોલ કરવા જણાવ્યું. એપ ઇન્સ્ટોલ કરવા માટે મોબાઈલની સેટિંગ્સમાં પરમિશન આપવાનું કહેવામાં આવ્યું. આ પ્રક્રિયા દરમિયાન ઠગે યુવતીના મોબાઈલમાંથી વોટ્સએપ બિઝનેસ એકાઉન્ટ પણ ડિલીટ કરાવ્યું. બાદમાં ઠગે ગૂગલ પે ખોલવા કહ્યું, પરંતુ યુવતીને શંકા જતાં તેણે વીડિયો કોલ બંધ કરી નંબર બ્લોક કરી દીધો.
મોબાઈલ બંધ ન થતો હોવાથી યુવતીએ મોબાઈલ શોપ પર તપાસ કરાવી. ગૂગલ પે ફરી ડાઉનલોડ કરીને બંને બેંક ખાતાનું બેલેન્સ ચેક કરતાં એક ખાતામાંથી 45,000 અને બીજા ખાતામાંથી 36,000 રૂપિયા ટ્રાન્સફર થયા હોવાનું જણાયું. આ અંગે યુવતીએ સાયબર ક્રાઈમ હેલ્પલાઈન પર કોલ કર્યો અને દરિયાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી.
આ ઘટના ઓનલાઈન ખરીદી કરતા લોકો માટે ચેતવણીરૂપ છે. કસ્ટમર કેરના નામે આવતા અજાણ્યા કોલ, વોટ્સએપ પર સ્ક્રીન શેર કરવાની વિનંતી અને APK ફાઇલ ઇન્સ્ટોલ કરવાની સૂચના પ્રત્યે સાવધ રહેવું જરૂરી છે. કોઈપણ ઓનલાઈન ખરીદીમાં સમસ્યા આવે તો અધિકૃત કસ્ટમર કેર નંબર જ તપાસવો અને અજાણ્યા નંબર પરથી આવતી લિંક કે એપ ડાઉનલોડ ન કરવી.