અમદાવાદમાં ONGCના કૂવામાંથી ચોરાયેલા ક્રૂડ ઓઈલનો ગુજરાત ATSએ પર્દાફાશ કર્યો છે. ATSની ટીમે વટવા-વિંઝોલ રીંગરોડ પર હેપ્પી ભરવાડના પાર્કિંગમાં દરોડો પાડીને આશરે 8,000 લિટર ક્રૂડ ઓઈલ સાથે 6 શખ્સોને પકડ્યા છે.
બાતમીના આધારે કરવામાં આવેલી આ કાર્યવાહી દરમિયાન ONGC લખેલું ટેન્કર ટ્રકમાં રાખેલા ટાંકામાં પાઈપ દ્વારા ઓઈલ ખાલી કરી રહ્યું હતું. ટીમે સ્થળ પરથી ગફ્ફાર રંગરેજ અને મોહસીન રંગરેજ સહિત કુલ છ આરોપીને ઝડપી લીધા. પોલીસે ટેન્કરમાંથી 4,500 લિટર અને ટ્રકમાંથી 500 લિટર ઓઈલ જપ્ત કર્યું છે.
બાતમી મુજબ, દાણીલીમડા વિસ્તારના ગફ્ફાર રંગરેજ, મોહસીન રંગરેજ, ઉસ્માન અને ONGCમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા નસરુદ્દીન મલેક ઉર્ફે વીકી ONGCની પાઈપલાઈનમાંથી ઓઈલ કાઢીને વટવા-વિંઝોલ રીંગરોડ પરના પાર્કિંગમાં ઠાલવી રહ્યા હતા.
પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું કે આરોપીઓએ ખેડા જિલ્લાના સારસા ખાતેના ONGCના ઓઈલ કૂવા નંબર-26 પર કેશીંગ વાલ્વ સાથે ફાઈટર પંપ લગાવીને ઓઈલ ચોર્યું હતું. ચોરાયેલું ઓઈલ વેચવા માટે અમદાવાદ લાવવામાં આવ્યું હતું.
પોલીસે ઝડપાયેલા આરોપીઓમાં ગફ્ફાર રંગરેજ (ઉંમર 61), મોહસીન રંગરેજ (ઉંમર 35), મોહમદ જાવેદ રંગરેજ (ઉંમર 44), નસીરૂદ્દીન ઉર્ફે વિકી તાજુદ્દીન મલેક (ઉંમર 42), ભીખા ચૌહાણ (ઉંમર 46) અને રાયસંગ ઠાકોર (ઉંમર 40)ના નામ આપ્યા છે. આ મામલે વધુ તપાસ ચાલુ છે.