અમદાવાદના જીવન સંધ્યા વૃદ્ધાશ્રમમાં આ દિવાળીે વડીલો માટે ખુશી કરતાં વધુ યાદો અને લાગણીઓ લઈને આવી છે. જે માતા-પિતાએ પોતાના સંતાનોના આનંદ માટે ઘણું બલિદાન આપ્યું, તેમના સંતાનો આજે તેમની પાસે નથી. વૃદ્ધાશ્રમમાં રહેતા 130 વડીલોએ આશ્રમને જ પોતાનું ઘર અને એકબીજાને પરિવાર માની લીધો છે. તેઓ સાથે મળીને રંગોળી પૂરે છે, ફટાકડા ફોડે છે અને દિવાળી ઉજવે છે. આશ્રમ સંચાલકો દરરોજ મીઠાઈ બનાવીને તેમના જીવનમાં પ્રકાશ ફેલાવવાનો પ્રયાસ કરે છે.
લીલાબેન, જે છેલ્લા કેટલાક વર્ષોથી આશ્રમમાં રહે છે, તેમણે ધ્રુસકે ધ્રુસકે જણાવ્યું કે, તેમની પુત્રવધૂ સાથે ઝઘડો થયો અને તેમને ઘરમાંથી કાઢી મૂકવામાં આવ્યા. ત્યારથી તેઓ એકલા છે. આંખમાં ઓછું દેખાય છે, સંભળાય પણ ઓછું છે અને ચાલી પણ નથી શકતા. એક વાર પડી ગયા ત્યારે ઘરે જવાનું કહ્યું તો પુત્રવધૂએ કહ્યું કે તમને અહીં આવવા દેશું નહીં. તેમણે કહ્યું, 'બેનને કહું છું કે, હું મરું તો મારી ઠાઠડી અહીંયાથી કાઢવાની, મને ઘરે ન મોકલશો.' તેમણે પોતાની પર લખેલી કવિતા પણ ગાઈ: 'એક પાંખે રે એ વિનાનું પંખી પાંગળું રે...'
ભગવતીબેન 21 વર્ષથી આશ્રમમાં રહે છે. તેમને બે દીકરા અને બે દીકરી હતી. એક દીકરાનું અવસાન થઈ ગયું, જ્યારે બીજો દીકરો તેમને રાખવા તૈયાર નથી. એક દીકરી તેમને રાખે છે, પણ બીજી નહીં. ભગવતીબેને જણાવ્યું કે, દીકરાનું દેવું ભર્યા પછી એક લાખ રૂપિયા ખર્ચીને લગ્ન કરાવ્યા, પણ દીકરો પુત્રવધૂને લઈને જતો રહ્યો. તેમણે કહ્યું, 'દીકરાને મોટો કરતા તો મને આંખે પાણી આવી ગયા હતા, જેથી આજે પણ યાદ કરીને રડું આવે છે.' તેમણે વર્ષો સુધી મજૂરી કરીને બાળકોને મોટા કર્યા. દિવાળીમાં દીકરી તેમને ઘરે બોલાવે છે, પણ દીકરો રાખવા તૈયાર નથી તો દીકરીના ઘરે કેમ જવાય? દીકરાનો એક પણ ફોન આવ્યો નથી કે દિવાળી કરવા આવો. ભગવતીબેને કહ્યું કે હવે 150 લોકોના પરિવારને મૂકીને ઘરે જવાની ઈચ્છા થતી નથી. જો મૃત્યુ પામું અને દીકરો લેવા ના આવે તો અહીંથી જ અંતિમ વિધિ માટે લઈ જવાની.
શોભનાબેને જણાવ્યું કે, તેમને એક જ દીકરી છે, દીકરો નથી, જેથી પતિના અવસાન પછી દીકરીના ઘરે રહેવાય નહીં. દીકરી દૂર રહે છે, પણ બોલાવે ત્યારે આવી જાય છે. આશ્રમમાં બધા લોકો ખૂબ સારી રીતે રાખે છે જેથી ઘરની યાદ આવતી નથી. અમે દિવાળી ખૂબ સારી રીતે ઉજવીએ છીએ.
આ વૃદ્ધાશ્રમમાં દિવાળીના તહેવારોમાં વડીલો પોતાના પરિવારની યાદમાં આંસુ સારે છે, પરંતુ સાથે મળીને તહેવારની ખુશી માણે છે. તેમની આંખોમાં પરિવારની યાદો ભરેલી છે, પણ હવે તેઓ આશ્રમને જ પોતાનું ઘર માની લીધું છે.