અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી ટેક્સી અને રિક્ષા ચાલક યુનિયન દ્વારા ઓલા, ઉબેર અને રેપિડો જેવી ઓનલાઇન એપ્લિકેશનનો બહિષ્કાર કરવામાં આવી રહ્યો છે. આ બહિષ્કારના કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. દિવ્ય ભાસ્કરના રિપોર્ટરે નિરમા યુનિવર્સિટીથી ગુજરાત યુનિવર્સિટી જવા માટે રેપિડો પર રાઇડ બુક કરવાનો પ્રયાસ કર્યો હતો. એક કલાક સુધી એક પણ કેબ ચાલકે રાઇડ કન્ફર્મ કરી નહોતી.
અંદાજે એક કલાક બાદ એક કેબ ચાલકે રાઇડ કન્ફર્મ કરી, પરંતુ ફોન પર જણાવ્યું કે ભારત ટેક્સી એપ્લિકેશન પરથી જ બુકિંગ કરવું પડશે. ચાલકે કહ્યું, “અમે અન્ય ઓનલાઇન એપ્લિકેશનનો બહિષ્કાર કર્યો છે. યુનિયન દ્વારા વચ્ચે ગાડી રોકે તો તમને પણ ઉતારી દે અને અમને પણ આગળ ન જવા દે.” ભારત ટેક્સી પર ભાડું વધારે બતાવવા અંગે પૂછતાં ચાલકે કહ્યું કે સપોર્ટ OTP કન્વર્ટ કરી આપશે જેથી વધારે ભાડું નહીં લાગે.
બીજા એક કેબ ચાલકે રાઇડ કન્ફર્મ કરી હતી, પરંતુ લોકેશન પર લઈ જવાની ના પાડી. તેણે કહ્યું, “હું તમને લઈ તો જાઉં, પરંતુ રસ્તા પર કોઈ પકડે તો તમને વચ્ચે ઉતારી દઈશું અને જેટલું ભાડું થયું હશે તેટલું લઈ લઈશું. ભારત ટેક્સી પર રાઇડ બુક કરી દો, ગાડી 2 મિનિટમાં આવી જશે. બીજી ત્રણ એપ્લિકેશન ડીલીટ કરી દો.” બીજા રૂટ પર પણ કેબ બુક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો, પરંતુ કલાકો સુધી રાહ જોયા બાદ પણ એક પણ ચાલકે રાઇડ બુક કરી નહોતી.
એક ચાલકે કહ્યું, “બીજી એપ પર રાઇડ બુક કરીએ તો ગાડીઓના કાચ તોડી નાખે છે. મારે 12 લાખની ગાડી છે. મને બે-ત્રણ દિવસથી ઓલા અને ઉબેરમાં પકડે છે એટલે હું ભારત ટેક્સી જ ચલાવું છું.”
ઉલ્લેખનીય છે કે, ટેક્સી અને રિક્ષા યુનિયને 7થી 10 સપ્ટેમ્બર સુધી સંપૂર્ણ બંધ પાળ્યું હતું. સરકાર દ્વારા નક્કી કરેલા ભાડા મુજબ ભાડું આપવામાં આવે અને ગેરકાયદેસર ચાલતા ટુ-વ્હીલર બંધ કરવામાં આવે એવી માંગ કરવામાં આવી હતી. પરંતુ, માત્ર ભારત ટેક્સી એપ્લિકેશને જ આ માંગણીઓ સ્વીકારી હતી. અન્ય ઓનલાઇન એપ્લિકેશન દ્વારા માંગણીઓ સ્વીકારવામાં ન આવતા રિક્ષા-ટેક્સી ચાલકોએ 11 સપ્ટેમ્બરથી રેપિડો, ઓલા, ઉબેરનો બહિષ્કાર કર્યો છે. હવે માત્ર ભારત ટેક્સી પર જ રાઇડ બુક કરવામાં આવી રહી છે.
આ સ્થિતિને કારણે અમદાવાદ શહેરમાં હજારો મુસાફરોને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવામાં મુશ્કેલી પડી રહી છે. ભારત ટેક્સી પર ભાડું વધારે ચૂકવવું પડી રહ્યું છે. જે લોકો ઓલા, ઉબેર કે રેપિડો પર રાઇડ બુક કરે છે તેમને ભારત ટેક્સી સિવાય અન્ય કોઈ ચાલક પોતાની ગાડીમાં બેસાડવા તૈયાર નથી. આથી મુસાફરોનો સમય અને પૈસા બંનેનો બગાડ થઈ રહ્યો છે.