અમદાવાદના ઓઢવ વિસ્તારમાં એકતરફી પ્રેમમાં પાગલ એવા રવિન્દ્ર પંચાલ નામના શખ્સને પોલીસે ઝડપી લીધો છે. તેણે એક મહિલાને બદનામ કરવા માટે તેના નામ, સરનામા સાથેની અભદ્ર ચિઠ્ઠીઓ 10, 20 અને 50 રૂપિયાની નોટો સાથે જોડીને નરોડા, રામોલ અને હાટકેશ્વર જેવા વિસ્તારોમાં વેરી હતી. આ કૃત્ય પાછળનો હેતુ મહિલાના દાંપત્યજીવનમાં કંકાસ ઊભો કરવાનો હતો.
પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપી મહિલાનો એકતરફી પ્રેમ કરતો હતો અને ઈચ્છતો હતો કે મહિલા તેના પતિથી અલગ થઈ જાય. જેથી તે મહિલા પર દબાણ લાવી શકે. આ માટે તેણે લગભગ 50થી 100 ચિઠ્ઠીઓ અલગ-અલગ જગ્યાએ ફેંકી હતી. આ ચિઠ્ઠીઓ લોકોના હાથમાં જાય અને તેઓ મહિલાને ફોન કરીને હેરાન કરે તેવી યોજના હતી.
મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે છેલ્લા બે મહિનાથી અજાણ્યા લોકો તેમને અભદ્ર ફોન કરતા હતા. તપાસમાં જાણવા મળ્યું કે એક ચિઠ્ઠી કોઈ વ્યક્તિને મળી હતી, જેણે મહિલાનો સંપર્ક કર્યો. આ ચિઠ્ઠી જાનવી આર્કેડના પાર્કિંગમાંથી મળી હતી. ત્યારબાદ પોલીસે આસપાસના 100થી 125 CCTV કેમેરાના ફૂટેજ તપાસ્યા હતા. ફૂટેજમાં આરોપી એક્ટિવા પર આવીને ચિઠ્ઠી ફેંકતો જોવા મળ્યો હતો.
ઓઢવ પોલીસે ફેબ્રિકેશનનું કારખાનું ધરાવતા રવિન્દ્ર પંચાલની ધરપકડ કરી છે. તેની પૂછપરછમાં ખુલાસો થયો છે કે તે મહિલાને માનસિક રીતે હેરાન કરવા માટે દરરોજ 2થી 3 ચિઠ્ઠીઓ ફેંકતો હતો. પોલીસ હવે તપાસ કરી રહી છે કે આ ગુનામાં અન્ય કોઈની સંડોવણી તો નથી તેમજ આરોપીએ આ કામ કેટલા સમયથી કર્યું હતું.