સત્ય. સાહસ. સંકલ્પ.

ઓઢવમાં ₹34 લાખની લૂંટ: હિમાચલથી વધુ 3 આરોપી ઝડપાયા, નકલી GST અધિકારી બની અપહરણ કર્યું

ઓઢવમાં ₹34 લાખની લૂંટ: હિમાચલથી વધુ 3 આરોપી ઝડપાયા, નકલી GST અધિકારી બની અપહરણ કર્યું

અમદાવાદના ઓઢવ ઓવરબ્રિજ પર 21 ઑક્ટોબરની રાત્રે થયેલી ₹34 લાખની આંગડિયા લૂંટના કેસમાં ઝોન-8 એલસીબી અને ક્રાઇમ બ્રાન્ચે હિમાચલ પ્રદેશ પોલીસની મદદથી મુખ્ય લૂંટારૂ સહિત ત્રણ વધુ આરોપીઓને ઝડપી પાડ્યા છે.

આ અગાઉ પકડાયેલા મુખ્ય કાવતરાખોર પ્રીતમ ગોહિલની પૂછપરછના આધારે પોલીસે વિશ્વજીત ગોસ્વામી, વિકાસ ભારદ્વાજ અને આશરો આપનાર અમિત શેમડિયા (ગોહિલ)ની ધરપકડ કરી છે. પોલીસે આરોપીઓ પાસેથી નવી કાર, આઇફોન અને રોકડ સહિત ₹28 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે.

બાપુનગરની એન.આર. આંગડિયા પેઢીના કર્મચારી કેતન પરીખ 21 ઑક્ટોબરની રાત્રે બેંકમાંથી ₹34 લાખની રોકડ લઈને ઓઢવ બ્રિજ પરથી પસાર થઈ રહ્યા હતા. તે સમયે કારમાં આવેલા શખ્સોએ પોતાની ઓળખ GST અધિકારી તરીકે આપી તેમનું અપહરણ કર્યું હતું. આરોપીઓ તેમને કઠવાડા તરફ લઈ ગયા અને ₹34 લાખની રોકડ લૂંટીને ફરાર થઈ ગયા હતા. આ બનાવ અંગે ઓઢવ પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો.

પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે મુખ્ય સૂત્રધાર પ્રીતમ ગોહિલ અગાઉ આ જ પ્રકારની આંગડિયા પેઢીમાં નોકરી કરતો હતો. નવી પેઢી શરૂ થતાં ગ્રાહકો તૂટવા અંગે તકરાર થઈ હતી. પ્રીતમે એવું માનીને કાવતરું ઘડ્યું કે આંગડિયા પેઢીના નાણાં હોવાથી બદનામી કે ડરના કારણે પેઢી સંચાલકો પોલીસ ફરિયાદ નોંધાવશે નહીં અને પાછળથી સમાધાન કરી લેશે. આથી તેણે પરિચિત વિશ્વજીત ગોસ્વામીને લૂંટ માટે તૈયાર કર્યો હતો. વિશ્વજીતે વિકાસ ભારદ્વાજ નામના ડ્રાઇવર સાથે મળીને અપહરણ અને લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો.

લૂંટ બાદ પ્રીતમને દિલ્હી હિસ્સો આપવા બોલાવાયો હતો. ત્યારબાદ આરોપીઓ દિલ્હી, લખનઉ, ઇટાવા, ભીંડ, મોરેના અને ગ્વાલિયર ફરતા રહ્યા હતા. પ્રીતમના ભાઈ અમિત શેમડિયાએ આરોપીઓને હિમાચલ તરફ ભાગવામાં મદદ કરી હતી. આરોપીઓએ હિમાચલમાં સિમકાર્ડ અને ફોન બદલી નાખ્યા હતા અને લેહ તરફ ભાગીને અંડરગ્રાઉન્ડ થવાની ફિરાકમાં હતા. જોકે, ટેકનિકલ સર્વેલન્સના આધારે પોલીસે હિમાચલ પોલીસની મદદથી બેરિકેડિંગ કરાવીને ત્રણેયને ઝડપી લીધા હતા.

પોલીસના જણાવ્યા અનુસાર લૂંટની રકમમાંથી ₹10 લાખની બ્રેઝા કાર ગ્વાલિયરમાં પ્રીતમ અને અમિતના પિતાના નામે ખરીદવામાં આવી હતી. ₹1.50 લાખનો આઇફોન 17 પ્રો ખરીદવામાં આવ્યો હતો. નાગપુરમાં રહેતા એક મિત્રના બેંક ખાતામાં ₹5 લાખ જમા કરાવવામાં આવ્યા હતા, જે ખાતું પોલીસે તાત્કાલિક ફ્રીઝ કરાવ્યું છે. અગાઉ પકડાયેલા પ્રીતમના પિતાને ₹2.56 લાખ રોકડ આપવામાં આવી હતી, જ્યારે ડ્રાઇવર વિકાસને ₹30,000 આપી તેમાંથી ₹20,000 પરત લઈને ₹10,000માં રવાના કરવામાં આવ્યો હતો.

મુખ્ય આરોપી વિશ્વજીત ગોસ્વામી સામે ભૂતકાળમાં મારામારી સહિતના બે-ત્રણ ગુના નોંધાયેલા છે. ડ્રાઇવર વિકાસ ભારદ્વાજનો કોઈ ગુનાહિત ઇતિહાસ નથી અને તેણે શરૂઆતમાં કાવતરાની જાણ ન હોવાનો દાવો કર્યો છે. અમિત શેમડિયાનો પણ કોઈ ગુનાહિત ઇતિહાસ નથી; તેણે ગુના બાદ આરોપીઓને આશરો આપવા અને નાણાં સગેવગે કરવામાં મદદ કરી હતી.