અમદાવાદના ઓઢવ વિસ્તારમાં રાજેન્દ્ર પાર્ક બ્રિજ પર બે કર્મચારીઓનું અપહરણ કરીને ₹34 લાખની લૂંટ થયાની ઘટના સામે આવી છે. બાપુનગરની એન.આર. આંગડિયા પેઢીના આ બંને કર્મચારીઓને લૂંટારાઓએ પોતાને ગાંધીનગરનો GST અધિકારી હોવાની ખોટી ઓળખ આપીને ધમકાવ્યા હતા.
પોલીસમાંથી મળતી માહિતી મુજબ, આંગડિયા પેઢીના કર્મચારી કેતન પરીખ અને જીશાન શેખ વસ્ત્રાલની કર્ણાવતી કો-ઓપરેટિવ બેંકમાંથી ₹34 લાખ ઉપાડીને મોપેડ પર બાપુનગર તરફ જઈ રહ્યા હતા. રાજેન્દ્ર પાર્ક બ્રિજ પાસે બ્લુ કલરની સ્વિફ્ટ કારમાં આવેલા શખ્સોએ તેમનો રસ્તો રોક્યો હતો.
કારમાંથી એક શખ્સ બેઝબોલનો ડંડો લઈને નીચે ઉતર્યો અને બંને કર્મચારીઓ સાથે ગાળાગાળી કરીને ધમકાવ્યા હતા. તેણે પોતે GST અધિકારી હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ બંને કર્મચારીઓના મોબાઇલ ફોન લઈને તેમને બળજબરીથી કારમાં બેસાડવામાં આવ્યા હતા.
આરોપીઓએ કર્મચારીઓ પાસેથી મોપેડમાં રહેલા ₹21 લાખ અને અન્ય ₹13 લાખ, મળીને કુલ ₹34 લાખ લૂંટી લીધા હતા. લૂંટ બાદ આરોપીઓ કાર લઈને ગાંધીનગર તરફ ગયા અને ધોળાકુવા સર્કલ નજીકના બ્રિજ પાસે બંને કર્મચારીઓને નીચે ઉતારી દીધા. ત્યારબાદ તેઓ ફરાર થઈ ગયા હતા.
ઘટનાની જાણ થતાં જ ઓઢવ પોલીસે અપહરણ અને લૂંટનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. આંગડિયા પેઢીના કર્મચારીઓ બેંકમાંથી મોટી રકમ ઉપાડીને નીકળ્યા હોવાની જાણ આરોપીઓને અગાઉથી હતી કે કેમ, તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે. લૂંટમાં કોઈ જાણભેદુની સંડોવણી હોવાની પોલીસને શંકા છે.
આરોપીઓને પકડવા માટે પોલીસની વિવિધ ટીમો બનાવવામાં આવી છે. ઘટનાસ્થળ અને આસપાસના વિસ્તારોના CCTV ફૂટેજ સહિતના પુરાવાઓના આધારે પોલીસ તપાસ આગળ ધપાવી રહી છે.