અમદાવાદના ઓઢવ વિસ્તારમાં નારોલ-નરોડા હાઇવે પર આવેલા રાજેન્દ્ર પાર્ક બ્રિજ પરથી 21 ઓક્ટોબરે મોડી સાંજે એક પેઢીના કર્મચારીનું કારમાં આવેલા બે અજાણ્યા શખસોએ અપહરણ કરી રૂ. 34 લાખની લૂંટ ચલાવી હોવાની ઘટના સામે આવી છે.
પોલીસ માહિતી અનુસાર, કેતનભાઈ પરીખ નામના વ્યક્તિ બેંકમાંથી રૂ. 34 લાખ ઉપાડીને પોતાની પેઢીમાં જમા કરાવવા મોપેડ પર નીકળ્યા હતા. મોડી સાંજે તેઓ જ્યારે ઓઢવ રાજેન્દ્ર પાર્ક બ્રિજ પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે કારમાં આવેલા બે અજાણ્યા શખસોએ તેમનું મોપેડ અટકાવ્યું હતું. બંને શખસોએ કેતનભાઈને બળજબરીપૂર્વક પકડીને રૂપિયા ભરેલી બેગ સાથે કારમાં બેસાડી દીધા હતા.
આરોપીઓ કેતનભાઈનું અપહરણ કરી સીધા ગાંધીનગરના ધોળાકૂવા તરફ લઈ ગયા હતા. ત્યાં પહોંચીને તેમની પાસેથી રૂ. 34 લાખ ભરેલી બેગ આંચકી લીધી હતી અને કેતનભાઈને રસ્તા પર ઉતારી બંને શખસો કાર લઈને અંધારામાં નાસી છૂટ્યા હતા.
લૂંટારુઓ ગયા બાદ કેતનભાઈએ તુરંત પોતાની પેઢી તેમજ ઓઢવ પોલીસને સમગ્ર ઘટનાની જાણ કરી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને ઓઢવ પોલીસ સ્ટેશનના ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો તપાસમાં જોડાયો છે. પોલીસે નારોલ-નરોડા હાઇવે, એક્સપ્રેસ-વે તેમજ અમદાવાદથી ગાંધીનગર તરફ જતા તમામ માર્ગો પર લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ ચકાસવાનું શરૂ કર્યું છે.
ઓઢવ પોલીસે ગુનો નોંધીને તપાસ આદરી છે. ગુનામાં વપરાયેલી કારના નંબર અને મોડલના આધારે આરોપીઓ સુધી પહોંચવા અલગ-અલગ ટીમો કામે લગાડવામાં આવી છે. લૂંટારુઓને કેતનભાઈ ચોક્કસ રૂટ પરથી મોટી રકમ લઈને પસાર થવાના છે તેની પૂર્વ માહિતી હોવાની પ્રબળ આશંકા છે. બેંકથી નીકળ્યા ત્યારથી જ કાર પીછો કરી રહી હતી કે કેમ, તેમજ પેઢીના કોઈ આંતરિક વ્યક્તિએ માહિતી પૂરી પાડી હતી કે નહીં તે દિશામાં પણ પોલીસે તપાસ કેન્દ્રિત કરી છે.