સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદમાં 9 વર્ષમાં ઓક્ટોબરની સૌથી ગરમી: પારો 38.6 ડિગ્રીએ, ભુજમાં 39.3 ડિગ્રી

અમદાવાદમાં 9 વર્ષમાં ઓક્ટોબરની સૌથી ગરમી: પારો 38.6 ડિગ્રીએ, ભુજમાં 39.3 ડિગ્રી

ગુજરાતમાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. અમદાવાદમાં ગઈકાલે મહત્તમ તાપમાન 38.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં 2.6 ડિગ્રી વધુ છે. છેલ્લા 9 વર્ષમાં ઓક્ટોબર મહિનામાં નોંધાયેલું આ સૌથી વધુ તાપમાન છે. આ કારણે નાગરિકોએ કાળઝાળ ગરમી અને ઉકળાટ અનુભવ્યો હતો.

હવામાન વિભાગના આંકડા મુજબ, અમદાવાદમાં અગાઉ 6 ઓક્ટોબર 2017ના રોજ 39.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ત્યાર પછી ઓક્ટોબરમાં તાપમાન 38.5 ડિગ્રી સુધી પહોંચ્યું હોય એવું પ્રથમવાર બન્યું છે. હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, આગામી પાંચ દિવસ સુધી અમદાવાદનું તાપમાન 38 ડિગ્રીની આસપાસ જ રહેશે, જેથી ગરમીથી રાહત મળવાની શક્યતા ઓછી છે.

ઉલ્લેખનીય છે કે, 5 ઓક્ટોબર 1920ના રોજ અમદાવાદમાં 42.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું, જે ઓક્ટોબર મહિનામાં નોંધાયેલું સર્વોચ્ચ તાપમાન ગણાય છે.

અમદાવાદ ઉપરાંત રાજ્યના અન્ય શહેરોમાં પણ ગરમીનો પ્રકોપ જોવા મળ્યો છે. ભુજમાં 39.3 ડિગ્રી સાથે રાજ્યમાં સૌથી વધુ તાપમાન નોંધાયું હતું. રાજકોટમાં 39.0 ડિગ્રી, સુરતમાં 38.1 ડિગ્રી, અમરેલીમાં 37.7 ડિગ્રી, વડોદરામાં 37.6 ડિગ્રી, ભાવનગરમાં 36.7 ડિગ્રી અને ગાંધીનગરમાં 36.0 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.