અમદાવાદના મકરબા વિસ્તારમાં રહેતી 46 વર્ષીય NRI મહિલાના શાદી.કોમ મારફતે થયેલા ત્રીજા લગ્ન પણ છેતરપિંડીભર્યા નીકળ્યા છે. લગ્નના 15 દિવસમાં જ પતિના મોબાઈલમાંથી ડઝનથી વધુ મહિલાઓ સાથેની વાંધાજનક ચેટ મળી આવી હતી. જુગાર અને દારૂની ટેવવાળા પતિએ દહેજ માટે શારીરિક અને માનસિક ત્રાસ આપ્યો હતો અને સ્ત્રીધન પણ પરત ન આપ્યું. આથી મહિલાએ પતિ સહિત ત્રણ સામે પશ્ચિમ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
મકરબા ખાતે રહેતી અને અમેરિકાનું નાગરિકત્વ ધરાવતી આ મહિલાના અગાઉ બે લગ્ન બાદ છૂટાછેડા થયા હતા. વર્ષ 2023માં શાદી.કોમ મારફતે તેમનો સંપર્ક મકરબાના જ એક યુવક સાથે થયો હતો અને બંનેએ ઓગસ્ટ 2024માં લગ્ન કર્યા હતા. લગ્નના પંદર દિવસ બાદથી જ પતિ સતત ફોન પર વ્યસ્ત રહેતો હોવાથી પત્નીને શંકા ગઈ હતી. તપાસ કરતાં પતિના મોબાઈલમાંથી ગોવા, યુએસએ અને અમદાવાદ સહિતની ડઝનથી વધુ મહિલાઓના નામ તેમજ વાંધાજનક ચેટ મળી આવી હતી. આ અંગે પૂછપરછ કરતાં પતિએ પત્ની સાથે મારઝૂડ કરી અને અપશબ્દો બોલ્યો હતો.
આ ઉપરાંત પતિ પરિણીતાને ગોવા અને બાલી ફરવા લઈ ગયો હતો, જ્યાં ગોવાની હોટેલમાં તે જુગારમાં પૈસા હારી ગયો હતો અને પત્ની સાથે દુર્વ્યવહાર કર્યો હતો. આ દરમિયાન પતિની અન્ય મહિલા મિત્રએ પત્ની સમક્ષ પોતે તેની પત્ની હોવાનો દાવો કરતાં વિવાદ વકર્યો હતો. આ બાબતે તકરાર થતાં પતિએ ઉશ્કેરાઈને પરિણીતાનો હાથ ખેંચી કાંડાના ભાગે ઈજા પહોંચાડી હતી.
બીજી તરફ, પરિણીતાના પિતાએ વર્ષ 2025માં એક દુકાન વેચી હતી, જેના પૈસા આવ્યાની જાણ થતાં જ પતિ તથા તેનાં અગાઉનાં લગ્નથી થયેલાં બંને સંતાનોએ ઘરમાં શાંતિથી રહેવું હોય તો તે રૂપિયા દહેજ પેટે જમાઈને આપી દેવા દબાણ કરી માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. મહિલા સ્ત્રીધન તરીકે લાવેલા દાગીના પણ બેંકના લોકરમાં રાખ્યાનું કહી પરત આપવામાં આવ્યા ન હતા. સતત ધમકીઓ અને ત્રાસથી કંટાળીને આખરે NRI મહિલાએ પશ્ચિમ મહિલા પોલીસ સ્ટેશનમાં પતિ, તેના પુત્ર અને પુત્રી સામે ગુનો નોંધાવ્યો છે.